ગ્રીનલેન્ડ મામલે ટ્રમ્પની અન્ય દેશોને ખુલ્લી ધમકી:ટ્રમ્પે કહ્યું- જો અમને રોકશો તો

By: Nation Gujarat Team
17 Jan, 2026

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડને અમેરિકામાં સામેલ કરવાને મામલે ખુલ્લી ધમકી આપી છે. BBC મુજબ, ટ્રમ્પે કહ્યું કે જો કોઈ દેશે ગ્રીનલેન્ડ પર કબજાવાળા પ્લાનમાં તેમનો સાથ ન આપ્યો, તો તેઓ તે દેશો પર ટેરિફ લગાવશે.

ટ્રમ્પે શુક્રવારે વ્હાઇટ હાઉસમાં એક બેઠક દરમિયાન આ નિવેદન આપ્યું. જોકે, ટ્રમ્પે સ્પષ્ટ નથી કર્યું કે કયા દેશો પર ટેરિફ લગાવવામાં આવશે અને તેના માટે તેઓ કયા કાનૂની અધિકારનો ઉપયોગ કરશે.

ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકા ગ્રીનલેન્ડને લઈને NATO સાથે પણ વાતચીત કરી રહ્યું છે. ટ્રમ્પ પહેલા પણ કહી ચૂક્યા છે કે NATOએ અમેરિકાનો સાથ આપવો જોઈએ. જો અમેરિકાએ ગ્રીનલેન્ડ પર કંટ્રોલ ન કર્યો, તો રશિયા કે ચીન ત્યાં પોતાનો પ્રભાવ વધારી શકે છે, જે કોઈ પણ હાલતમાં સ્વીકાર્ય નહીં હોય.

ટ્રમ્પે ગ્રીનલેન્ડને ગોલ્ડન ડોમ નામના મોટા સંરક્ષણ પ્રોજેક્ટ માટે પણ મહત્વપૂર્ણ ગણાવ્યું છે. ગોલ્ડન ડોમ અમેરિકાનો મિસાઈલ સંરક્ષણ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ ઇઝરાયેલના આયર્ન ડોમથી પ્રેરિત છે. ગોલ્ડન ડોમનો હેતુ ચીન, રશિયા જેવા દેશોમાંથી આવતા જોખમથી અમેરિકાને બચાવવાનો છે.

ગોલ્ડન ડોમ કેવી રીતે કામ કરશે?

આ પ્રોજેક્ટ હેઠળ, અમેરિકા પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં મોટી સંખ્યામાં ઇન્ટરસેપ્ટર સેટેલાઈટ તહેનાત કરશે. જ્યારે પણ અમેરિકા તરફ મિસાઇલ છોડવામાં આવશે, ત્યારે આ સેટેલાઈટ તેમની ભ્રમણકક્ષા છોડીને મિસાઇલો સાથે અથડાઈ જશે. આ એક બહુ-સ્તરીય સિસ્ટમ હશે. જો ઇન્ટરસેપ્ટર સેટેલાઈટ મિસાઇલને અટકાવવામાં નિષ્ફળ જાય, તો અન્ય વિકલ્પોનો ઉપયોગ કરવામાં આવશે.

અમેરિકાની સંસદની ટીમ ગ્રીનલેન્ડ પહોંચી

ટ્રમ્પના નિવેદન સમયે અમેરિકન સંસદનું એક દ્વિપક્ષીય પ્રતિનિધિમંડળ ગ્રીનલેન્ડના પ્રવાસે હતું. આ 11 સભ્યોની ટીમનું નેતૃત્વ ડેમોક્રેટ સેનેટર ક્રિસ કૂન્સ કરી રહ્યા છે. તેમાં રિપબ્લિકન સેનેટર થૉમ ટિલિસ અને લિસા મર્કોવ્સ્કી પણ સામેલ છે.

પ્રતિનિધિમંડળે ગ્રીનલેન્ડના સાંસદો ઉપરાંત ડેનમાર્કનાં વડાંપ્રધાન મેટે ફ્રેડરિક્સન અને ગ્રીનલેન્ડના વડાપ્રધાન જેન્સ-ફ્રેડરિક નીલસન સાથે મુલાકાત કરી.

ટીમનો હેતુ સ્થાનિક લોકોની વાત સાંભળવાનો અને વોશિંગ્ટનમાં તણાવ ઓછો કરવાનો છે. સેનેટર કૂન્સે કહ્યું, ‘અમે ગ્રીનલેન્ડના લોકોની વાત સાંભળી રહ્યા છીએ અને તેમનો અભિપ્રાય લઈને પાછા જઈશું, જેથી સ્થિતિ શાંત થાય.’

ગ્રીનલેન્ડના સાંસદ આજા ચેમનિત્ઝે કહ્યું, ‘અમને મિત્રો અને સહયોગીઓની જરૂર છે. અમેરિકા 2019થી દબાણ બનાવી રહ્યું છે. આ એક લાંબી દોડ છે, જે હજુ પૂરી થઈ નથી. જેટલો વધુ ટેકો મળે, તેટલું સારું.” તેમણે આશા વ્યક્ત કરી કે આ મુલાકાત ફાયદાકારક સાબિત થશે

ગ્રીનલેન્ડને લઈને બે જૂથમાં વહેંચાયેલા અમેરિકન સાંસદો

અમેરિકી સેનેટર મુર્કોવ્સ્કીએ ગ્રીનલેન્ડને બળજબરીથી લેવા સામે સંસદમાં એક બિલ રજૂ કર્યું છે. જ્યારે, એક રિપબ્લિકન સાંસદે ગ્રીનલેન્ડને જોડવાના પક્ષમાં બીજું બિલ રજૂ કર્યું.

ટ્રમ્પના વિશેષ દૂત જેફ લેન્ડ્રીએ ફોક્સ ન્યૂઝને જણાવ્યું કે અમેરિકાએ ગ્રીનલેન્ડના નેતાઓ સાથે સીધી વાત કરવી જોઈએ, ડેનમાર્ક સાથે નહીં. તેમણે કહ્યું, ‘ટ્રમ્પ ગંભીર છે. ટૂંક સમયમાં સોદો થઈ જશે.’

બુધવારે ડેનમાર્કના વિદેશ મંત્રી લાર્સ લોક્કે રાસમુસેન અને ગ્રીનલેન્ડના વિદેશ મંત્રી વિવિયન મોટ્ઝફેલ્ટે વ્હાઇટ હાઉસમાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે મુલાકાત કરી હતી.

એક ડેનિશ અધિકારીએ BBC ને કહ્યું કે સૈન્ય કાર્યવાહીની કોઈ વાત થઈ નથી, પરંતુ ટ્રમ્પના નિવેદનોને ગંભીરતાથી લેવામાં આવી રહ્યા છે.


Related Posts

Load more