કેદારનાથમાં ભક્તોનું પૂર, એક જ દિવસમાં 30 હજારથી વધુ લોકો ઉમટ્યાં, કન્ટ્રોલ રૂમે આંકડા જાહેર કર્યા

By: nationgujarat
03 May, 2025

Kedarnath Dham: કેદારનાથ ધામમાં બાબા કેદારના દર્શન માટે 2 મે ના રોજ શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી હતી. યાત્રા કંટ્રોલ રૂમ રુદ્રપ્રયાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આ દિવસે સાંજે 7:00 વાગ્યે કુલ 30,154 શ્રદ્ધાળુઓએ કેદારનાથ ધામના દર્શન કર્યા હતા. તેમાં 19,196 પુરુષ, 10,597 મહિલાઓ અને 361 બાળકો સામેલ હતા. જોકે, આ દિવસે કોઈ પણ વિદેશી શ્રદ્ધાળુ નહોતા આવ્યા. શ્રદ્ધાળુઓની આ સંખ્યા તીર્થ યાત્રાની વધતી આસ્થાને દર્શાવે છે. બીજી તરફ 2 મે ના રોજ યમુનોત્રીમાં 112 શ્રદ્ધાળુ અને ગંગોત્રીમાં 7,408 શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે પહોંચ્યા હતા.

શિવભક્તોના જયકારથી ગુંજી ઉઠ્યું કેદારનાથ

પ્રખ્યાત જ્યોતિર્લિંગ કેદારનાથ મંદિરના કપાટ શુક્રવારે સવારે ઔપચારિક રીતે ખોલવામાં આવ્યા હતા, જેમાં 12,000 થી વધુ ભક્તો હાજર રહ્યા હતા. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC) ના અધિકારીઓએ જણાવ્યું કે, સમુદ્રની સપાટીથી 11,000 ફૂટની ઊંચાઈ પર સ્થિત મંદિરના કપાટ 2 મેના રોજ સવારે 7:00 વાગ્યે ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. આ પાવન અવસર પર મંદિરને 108 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું, જેમાં ગુલાબ અને ગલગોટા સહિત 54 પ્રકારના ફૂલો સામેલ હતા. આ ફૂલો નેપાળ, થાઈલેન્ડ અને શ્રીલંકા જેવા દેશોમાંથી લાવવામાં આવ્યા હતા. ચાર ધામ યાત્રાના ચાર મંદિરોમાંથી કેદારનાથ સૌથી વધુ ભક્તોને આકર્ષિત કરે છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે અને દેશના 12 જ્યોતિર્લિંગોમાંથી 11મું છે.


Related Posts

Load more