ગુજરાતના ચાર જિલ્લામાં ઓછા વરસાદને પગલે રાજ્ય સરકારે ખેડૂતો અને પશુપાલકોના હિતમાં રાહતલક્ષી નિર્ણય જાહેર કર્યો છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર જિલ્લામાં ઓછા વરસાદની અસરને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત ખેડૂતોને પાકના નુકસાન સામે સહાય આપવામાં આવશે. ગુજરાતમાં આશરે 8 વર્ષ બાદ ફરી દુષ્કાળની સ્થિતિને પગલે રાહતનાં પગલાં જાહેર કરાયા છે. અગાઉ વર્ષ 2018માં રાજ્યના 11 જિલ્લાના 51 તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. હવે 2026માં ઓછા વરસાદની અસરને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગરના અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતો અને પશુપાલકોને રાહત આપવા રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.
ગત વર્ષે અતિવૃષ્ટીને કારણે 7 નવેમ્બર, 2025ના રોજ રાજ્ય સરકારે પાક નુકસાની માટે 10 હજાર કરોડના ઇતિહાસના સૌથી મોટા કૃષિ પેકેજની જાહેરાત કરી હતી. આ સહાય પિયત અને બિનપિયત માટે એક સમાન ધોરણે તમામ પાક માટે 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 22000 હતી, એમાં તમામ ખેડૂતોને લાભ આપ્યો હતો. જો કે આ વખતે વરસાદ ન હોવા છતાં સહાયની રકમ ગત વર્ષ કરતા ઘણી ઓછી છે.રાજ્યમાં ઓછા વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલા ખેડૂતોને તેમના પાકના નુકસાન સામે રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવશે. દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયેલા તાલુકાઓમાં રાહતનાં પગલાં અમલમાં મૂકવામાં આવશે. સરકારના જણાવ્યા અનુસાર, ખેડૂતો અને પશુપાલકોને મુશ્કેલીના સમયમાં મદદ મળી રહે તે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.
પશુપાલકોને ₹2 પ્રતિ કિલોના ભાવે ઘાસચારો
ઓછા વરસાદને કારણે પશુઓ માટે ઘાસચારાની અછત ઊભી ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા રાહત દરે ઘાસચારો આપવાની વ્યવસ્થા ચાલુ રાખવામાં આવશે. અત્યાર સુધીમાં 1.21 કરોડ કિલોગ્રામ ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યું છે. પશુપાલકોને માત્ર ₹2 પ્રતિ કિલોના રાહત દરે ઘાસચારો આપવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર પાસે હાલ 3 કરોડ કિલોગ્રામ ઘાસચારો ઉપલબ્ધ છે. જરૂરિયાત વધે તો વધારાનો ઘાસચારો ઉપલબ્ધ કરાવવા માટે પણ આયોજન કરવામાં આવ્યું છે.
દુષ્કાળગ્રસ્ત તાલુકાઓમાં 2 મહિના સુધી સહાય
દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયેલા તાલુકાઓમાં પશુઓ માટે આગામી બે મહિના સુધી સહાય યોજના અમલમાં રહેશે. બે મહિના બાદ પણ જો સહાયની જરૂરિયાત ઊભી થશે તો પરિસ્થિતિની સમીક્ષા કરીને સરકાર આગળનો નિર્ણય લેશે.
ગ્રામીણ લોકોને 150 માનવદિવસની રોજગારી
દુષ્કાળની સ્થિતિમાં ગ્રામીણ વિસ્તારોના લોકોને રોજગારી મળી રહે અને તેમની આજીવિકા પર અસર ઓછી થાય તે માટે સરકારે 150 માનવદિવસની રોજગારી આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયનો અમલ વર્ષ 2026થી કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે સમગ્ર ગુજરાતમાં અંદાજે 89 ટકા વરસાદ નોંધાયો છે. ભારત સરકારની દુષ્કાળ નિર્ધારણ માર્ગદર્શિકા-2016 મુજબ જરૂરી પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી. દુષ્કાળની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી હતી, જેમાં ખેડૂતો અને પશુપાલકોને રાહત આપવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતો અને પશુપાલકોનાં હિતો રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. આપત્તિના સમયે સરકાર તેમની પડખે ઊભી રહેશે અને જરૂરી તમામ મદદ તથા સહાય પૂરી પાડવા પ્રતિબદ્ધ છે.
રાજ્ય સરકારની મહત્વની જાહેરાત ના અગત્યના મુદ્દાઓ