લીંબુના ભાવમાં ભડકો: 20 કિલોનો ભાવ સાંભળીને ગૃહિણીઓને લાગશે 440 વોટનો ઝટકો!

By: Nation Gujarat Team
19 Sep, 2026

Surat APMC News: તહેવારોની સિઝન શરૂ થતાં જ મોંઘવારીનો મારો સામાન્ય જનતા પર વધી રહ્યો છે. હાલમાં સુરત APMC સહિત રાજ્યના વિવિધ માર્કેટિંગ યાર્ડમાં લીંબુના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. તહેવારો દરમિયાન રસોડામાં લીંબુની માંગ વધતી હોય છે, પરંતુ આ વર્ષે ભાવ આસમાને પહોંચતા સામાન્ય ગ્રાહકો અને ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. શાકભાજી અને અન્ય ખાદ્ય ચીજોની સાથે લીંબુ પણ હવે સામાન્ય માણસની પહોંચથી બહાર જઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

હોલસેલ બજારમાં ભાવ વધવાની સીધી અસર છૂટક માર્કેટ પર પડી
સુરત APMCના હોલસેલ માર્કેટમાં લીંબુના ભાવમાં અણધારી તેજી આવી છે. આશરે એક મહિના પહેલા 20 કિલો લીંબુનો ભાવ રૂ. 1000 થી રૂ. 1500ની આસપાસ હતો, જે હાલ વધીને રૂ. 1600 થી રૂ. 4000 સુધી પહોંચી ગયો છે. હોલસેલ બજારમાં ભાવ વધવાની સીધી અસર છૂટક માર્કેટ પર પડી છે, જ્યાં ઉત્તમ ક્વોલિટીના લીંબુનો છૂટક ભાવ રૂ. 240 પ્રતિ કિલોને પાર કરી ગયો છે.

નવી આવક શરૂ ન થાય ત્યાં સુધી ગ્રાહકોને મોંઘા લીંબુ ખરીદવા પડશે
લીંબુના વેપારીઓ અને સુરત APMCના ડિરેક્ટર બાબુભાઈ શેખના જણાવ્યા મુજબ, લીંબુના ભાવમાં આટલો મોટો ઉછાળો આવવાનું મુખ્ય કારણ બજારમાં તેની આવકમાં થયેલો સતત ઘટાડો છે. છેલ્લા કેટલાક સમયથી અનિયમિત વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાના કારણે લીંબુના પાકને ભારે અસરો પહોંચી છે. માર્કેટમાં માલની આવક ઘટતાં અછત જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના પરિણામે 20 કિલોનો ભાવ રૂ. 4000ના સ્તરે પહોંચી ગયો છે. આગામી દિવસોમાં નવી આવક શરૂ ન થાય ત્યાં સુધી ગ્રાહકોને મોંઘા લીંબુ ખરીદવાની ફરજ પડશે.

Related Posts

Load more