સુપ્રીમ કોર્ટે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંને ઠપકો આપ્યો છે. કોર્ટે હસીન જહાંને પૂછ્યું, “શું 4 લાખ રૂપિયા પૂરતા નથી?” કોલકાતા હાઇકોર્ટે શમીને તેની પુત્રીને 2.5 લાખ રૂપિયા અને તેની પત્નીને 1.5 લાખ રૂપિયા ભરણપોષણ તરીકે ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ અંગે હસીન જહાંએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
હસીન જહાંએ મહિને 10 લાખ રૂપિયાના ભરણપોષણની માગણી કરી હતી, જેમાં 4 લાખ રૂપિયા અપૂરતા ગણાવ્યા હતા. કોર્ટે પશ્ચિમ બંગાળ સરકાર અને ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને નોટિસ ફટકારી હતી, જેમાં ચાર અઠવાડિયાંમાં તેમના જવાબો માગ્યો હતો.
હાઇકોર્ટે દર મહિને 4 લાખ ચૂકવવાનો આદેશ આપ્યો અગાઉ જુલાઈમાં કલકત્તા હાઈકોર્ટે શમીને હસીન જહાં અને પુત્રી આયરાને દર મહિને 4 લાખ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. શમીને માસિક ભરણપોષણ તરીકે આ રકમ આપવાનું કહેવામાં આવ્યું હતું. શમીના કેસની સુનાવણી 21 એપ્રિલ, 2025ના રોજ થઈ હતી અને 1 જુલાઈ, 2025ના રોજ ચુકાદો જાહેર કર્યો હતો. આ રકમ છેલ્લાં સાત વર્ષથી લાગુ રહેશે.
લગ્ન 2014માં થયા હતા શમી અને હસીન જહાંના લગ્ન 2014માં થયા હતા. 2018માં શમીની પત્નીએ ક્રિકેટર અને તેના પરિવાર પર હિંસાનો આરોપ લગાવ્યો હતો. તેમનાં લગ્નના લગભગ એક વર્ષ પછી 17 જુલાઈ, 2015ના રોજ તેમને એક પુત્રીનો જન્મ થયો. તેમની પુત્રી આયરાના જન્મ પછી શમીને ખબર પડી કે હસીન જહાં પહેલાંથી જ પરિણીત છે અને તેના પાછલા લગ્નથી બે બાળક છે.
શમીએ પોતાના પરિવાર વિરુદ્ધ જઈને હસીન સાથે લગ્ન કર્યા શમી ઉત્તરપ્રદેશના અમરોહાના સહસપુર અલીનગર ગામનો રહેવાસી છે. તેણે 6 જૂન, 2014ના રોજ કોલકાતાની અભિનેત્રી હસીન સાથે લગ્ન કર્યા. હસીન એક પ્રોફેશનલ મોડેલ અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માટે ચિયરલીડર હતી. બંને વચ્ચે ઓળખાણ થઈ અને શમીએ હસીન જહાં સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું.
જ્યારે તેણે તેના પરિવારને કહ્યું, ત્યારે તેઓ સંમત ન થયા. બંનેએ ગમે તેમ લગ્ન કર્યાં. હસીનના છૂટાછેડા થઈ ગયા હતા. 2002માં તેણે બીરભૂમ જિલ્લાના સૈફુદ્દીન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. સૈફુદ્દીન સ્ટેશનરીની દુકાન ચલાવતો હતો. હસીન સાથે તેની બે પુત્રી હતી. 2010માં તેમના સંબંધો બગડ્યા અને તેમના છૂટાછેડા થઈ ગયા.
શમી પોતાની દીકરીને મળ્યા બાદ ભાવુક થઈ ગયો શમી ઘણીવાર તેની પુત્રી વિશે ઇન્સ્ટા સ્ટોરી પોસ્ટ કરે છે. એ જ રીતે ગયા વર્ષે ઓક્ટોબરમાં તેણે ઇન્સ્ટાગ્રામ પર એક મુલાકાતનો વીડિયો શેર કર્યો હતો, જેમાં લખ્યું હતું કે “જ્યારે મેં તેને આટલા લાંબા સમય પછી ફરીથી જોઈ ત્યારે સમય સ્થિર થઈ ગયો હોય એવું લાગતું હતું. હું તને શબ્દો કરતાં વધુ પ્રેમ કરું છું, બેબો.” શમી તેની પુત્રી આયરાને પ્રેમથી બેબો કહે છે.