ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં ત્રીજા નોરતાની રાત્રે સોશિયલ મીડિયા પોસ્ટના મામલે થયેલા હિંસક તોફાનકાંડ બાદ વહીવટી અને પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. ગરબા દરમિયાન પથ્થરમારો, પોલીસ પર હુમલો અને ચાર જેટલી દુકાનોને આગ ચાંપવાના ગંભીર બનાવ બાદ કાયદાનું કડક પાલન કરવા માટે આજે(9 ઓક્ટોબર) વહેલી સવારથી વહીવટી તંત્ર દ્વારા ગામના મુખ્ય માર્ગો પરના ગેરકાયદેસર કાચા-પાકા દબાણો તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
દબાણકારોને બે દિવસમાં બાંધકામના પુરાવા રજૂ કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું તોફાનકાંડ બાદ બરેલી-યુપીની જેમ ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર એક્શનની માંગણી ઉઠી હતી. જેને પગલે તંત્ર દ્વારા તોફાની તત્વો સહિત સમગ્ર વિસ્તારના અંદાજિત 190 જેટલા દબાણકારોને નોટિસો ફટકારવામાં આવી હતી. આ દબાણકારોને બે દિવસમાં બાંધકામના પુરાવા રજૂ કરવાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું, જેની સમયમર્યાદા બુધવારે સાંજે પૂર્ણ થઈ ગઈ હતી.
એક પણ પુરાવો રજૂ ન કરાતા કાર્યવાહી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ સમયગાળામાં એક પણ દબાણકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) વિભાગીય દહેગામ તેમજ નાયબ કાર્યપાલક ઈજનેર પાટનગર યોજના પેટા વિભાગ (સ્ટેટ) સમક્ષ બાંધકામનો પુરાવો રજૂ કરવામાં આવ્યો નહોતો. પુરાવાના અભાવે, આજે ગુરુવાર વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર દબાણો તોડી પાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
દબાણો હટાવવાની કામગીરી શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે કુલ 190 દબાણોમાંથી રાયપુર ઘમીજ કરોલી રોડ પર 135 દબાણો અને હાથીજણથી બહિયલ રોડ પર 51 દબાણોને નોટિસ આપવામાં આવી હતી. તંત્ર દ્વારા બુલડોઝરની મદદથી દબાણો હટાવવાની કામગીરી શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. નોટિસ મળતાની સાથે જ દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને તેઓએ પોતાનો માલસામાન હટાવવાનું શરૂ કરી દીધું હતું.