બપોરે 1 વાગ્યે કેન્દ્રીય કેબિનેટની મિટિંગ વડાપ્રધાન મોદીની અધ્યક્ષસ્થાને યોજાશે

By: Nation Gujarat Team
25 Mar, 2026

ભારત સરકારે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટને પગલે 25 માર્ચ સાંજે 5 વાગ્યે ઓલ પાર્ટી મિટિંગ બોલાવી છે. એ પહેલાં 25મીએ બપોરે 1 વાગ્યે કેન્દ્રીય કેબિનેટની મિટિંગ મળવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભા અને લોકસભામાં બંને ગૃહમાં એવી વાત કરી હતી કે, યુદ્ધની અસરના કારણે ભારતમાં સંકટ સર્જાય તેવી સ્થિતિ થઈ રહી છે. ભારતના લોકોએ સંયમ રાખવો પડશે અને કોરોના વખતે જે સંકટ આવ્યું ત્યારે સૌએ સંયમથી કામ કર્યું હતું તેવી રીતે મન શાંત રાખીને સંકટનો સામનો કરવો પડશે. બે મહત્વની મિટિંગમાં મોદી યુદ્ધની અસરો પર ચર્ચા કરીને આગળની રણનીતિ ઘડશે.

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ હવે ચોથા અઠવાડિયામાં પ્રવેશી ગયો છે. જેની અસર હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા થતા વેપાર માર્ગો પર પડી રહી છે. 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા સંયુક્ત લશ્કરી હુમલામાં 86 વર્ષીય ઈરાની સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનીની હત્યા કરવામાં આવતા તણાવ વધુ વધ્યો. જવાબમાં ઈરાને અનેક ખાડી દેશોમાં યુએસ અને ઇઝરાયલી ઠેકાણાઓને નિશાન બનાવ્યા, જેનાથી દરિયાઈ માર્ગો વધુ ખોરવાયા અને આંતરરાષ્ટ્રીય એનર્જી માર્કેટ અને ગ્લોબલ આર્થિક સ્થિરતા પણ જોખમાઈ.

રાજનાથ સિંહે બોલાવેલી મિટિંગમાં શું થયું?

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મંગળવારે ભારતની સંરક્ષણ તૈયારીઓની સમીક્ષા કરી હતી. નવી દિલ્હીમાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં સીડીએસ જનરલ અનિલ ચૌહાણ, ત્રણેય સેનાના પ્રમુખ આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, નૌકાદળના પ્રમુખ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી, અને વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહ ઉપરાંત ડીઆરડીના અધ્યક્ષ ડો. સમીર કામત અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આ પહેલા હલ્દ્વાનીમાં રાજનાથ સિંહે કહ્યું હતું કે ભારતે આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે, અને ભારપૂર્વક જણાવ્યું છે કે તેનો ઉકેલ વાતચીત અને કૂટનીતિ દ્વારા જ લાવવો જોઈએ. એ જોતાં કે દુનિયા હાલમાં સંકટના સમયમાંથી પસાર થઈ રહી છે, અને ઘણા વિસ્તારોમાં સંઘર્ષ ચાલુ છે, તેમણે કહ્યું કે પશ્ચિમ એશિયામાં થઈ રહેલા સતત હુમલાઓ ફક્ત ભારત માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે.

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સમગ્ર પશ્ચિમ એશિયામાં તણાવપૂર્ણ સ્થિતિને જોતા, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ભારત સ્પષ્ટપણે માને છે કે આનો ઉકેલ ‘વાટાઘાટો અને રાજદ્વારી’ દ્વારા શોધવો જોઈએ. તેમણે કહ્યું કે આજે આખી દુનિયા સંકટના સમયગાળામાંથી પસાર થઈ રહી છે, જ્યાં પશ્ચિમ એશિયામાં સતત હુમલા થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે આ માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે.

વડાપ્રધાન મોદીએ ચિંતા વ્યક્ત કરી

વડાપ્રધાને એ પણ નિર્દેશ કર્યો કે ભારતના પશ્ચિમ એશિયાના યુદ્ધગ્રસ્ત દેશો સાથે વેપાર સંબંધો છે અને આ પ્રદેશ દેશની ક્રૂડ ઓઇલ અને ગેસની જરૂરિયાતોનો નોંધપાત્ર ભાગ પૂરો કરે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું, પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ ચિંતાજનક છે. આ સંઘર્ષ ત્રણ અઠવાડિયાથી વધુ સમયથી ચાલી રહ્યો છે. તેની વૈશ્વિક અર્થતંત્ર અને લોકોના જીવન પર ગંભીર અસર પડી રહી છે અને તેથી વિશ્વભરના તમામ દેશો આ સંઘર્ષના વહેલા ઉકેલ માટે અપીલ કરી રહ્યા છે. જો યુદ્ધ લાંબુ ચાલશે તો ભારતે પણ કોરોના સમયે જે સંકટો આવ્યા હતા તેવા સંકટ માટે તૈયાર રહેવું પડશે. દેશવાસીઓએ સંયમ જાળવીને રહેવું પડશે.

અગાઉ પણ ઈમર્જન્સી જેવી સ્થિતિમાં મોદીએ સર્વપક્ષીય મિટિંગ બોલાવી છે

2014માં પહેલીવાર વડાપ્રધાન બન્યા પછી મોદી સામે હુડહુડ વાવાઝોડાંનો પડકાર આવ્યો હતો. તેમણે એ વખતે ઓલ પાર્ટી મિટિંગ બોલાવી હતી. એ પછી તો કોરોના, પહેલગામ હુમલો અને હવે યુદ્ધની સ્થિતિમાં ઓલ પાર્ટી મિટિંગ બોલાવવી પડી છે. ઓક્ટોબર 2014માં વડાપ્રધાને ચક્રવાત હુદહુદ માટે તૈયારીઓની સમીક્ષા કરવા માટે હાઈલેવલ ઈમરજન્સી મિટિંગ બોલાવી હતી. પાકિસ્તાન અથવા ચીન સાથે સરહદી તણાવ દરમિયાન વિવિધ પ્રસંગોએ સુરક્ષા પરની કેબિનેટ સમિતિની કટોકટીની બેઠકો બોલાવવામાં આવી છે.

2019માં પુલવામા એટેક પછી પણ ઈમરજન્સી મિટિંગ બોલાવાઈ હતી. COVID-19 કેસોમાં વધારા દરમિયાન પરિસ્થિતિની સમીક્ષા કરવા, રસીકરણ સુનિશ્ચિત કરવા અને ઓક્સિજન પુરવઠો સુનિશ્ચિત કરવા માટે ઘણી ઉચ્ચ સ્તરીય બેઠકો યોજાઈ હતી, અને હવે પશ્ચિમ એશિયામાં તણાવને કારણે ઊર્જા સુરક્ષા અને વૈશ્વિક પુરવઠા શૃંખલાઓમાં વિક્ષેપોની સમીક્ષા કરવા માટે બેઠક બોલાવી છે. વડાપ્રધાન મોદીએ આવતીકાલ તા. 25 માર્ચે બપોરે 1 વાગ્યે કેન્દ્રીય કેબિનેટ મિટિંગ બોલાવી છે અને સાંજે 5 વાગ્યે ઓલ પાર્ટી મિટિંગ બોલાવી છે.


Related Posts

Load more