આગામી દિવસો માટે હવામાન અંગે ડરામણી આગાહી કરી અંબાલાલાલ પટેલે

By: Nation Gujarat Team
20 Sep, 2026

Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં ચોમાસાની ઋતુ વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસો માટે હવામાન અંગે મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, રાજ્યમાં વરસાદી મહામાહોલની સાથે સાથે ગરમીનું પ્રમાણ પણ નોંધપાત્ર રીતે વધવાનું છે. બંગાળની ખાડીમાં સર્જાનારી સિસ્ટમ અને હવામાનમાં આવનારા ફેરફારોને કારણે સપ્ટેમ્બરના અંતથી લઈને ઓક્ટોબર મહિના સુધી રાજ્યમાં ગરમી અને વરસાદનું મિશ્ર વાતાવરણ જોવા મળી શકે છે.

23 સપ્ટેમ્બરથી અકળાવનારી ગરમીની શરૂઆત

અંબાલાલ પટેલની આગાહી મુજબ, તારીખ 23 સપ્ટેમ્બરથી રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની પૂરતી સંભાવના છે. આ દરમિયાન અકળાવનારી ગરમી પડશે, જેના કારણે લોકોએ એસી (AC) અને પંખા ચાલુ કરવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. આ ગરમી 24 ઓક્ટોબર સુધી યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, કૃષિ ક્ષેત્ર માટે આ ગરમી ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. ખેતરોમાં ઉભા પાક અને દાણાને યોગ્ય રીતે સુકવવા માટે આ તાપમાન જરૂરી છે, જેથી ખેડૂતો માટે આ આગાહી રાહતરૂપ પણ ગણી શકાય.

આજથી સૌરાષ્ટ્ર અને અન્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ

આજે એટલે કે 20 સપ્ટેમ્બરથી દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, સાવરકુંડલા, અમરેલી, ભાવનગર અને મહુવાના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. કેટલાક સ્થળોએ ક્યારેક ભારે વરસાદ પડી જવાની પણ સંભાવના છે. આજે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અન્ય ભાગોમાં આજ સાંજ સુધીમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. આ સિવાય 22 સપ્ટેમ્બર સુધીમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતના કેટલાક ભાગો તેમજ અમદાવાદ અને દક્ષિણ ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ રહી શકે છે.

બંગાળની ખાડીની સિસ્ટમ અને સપ્ટેમ્બરના અંતમાં ‘ધબધબાટી’

તારીખ 24 અને 25 સપ્ટેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં સર્જાનારી વરસાદી સિસ્ટમ આંધ્રપ્રદેશ કે ઓરિસ્સાના દરિયાકાંઠે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. આ સિસ્ટમની અસરથી 24 સપ્ટેમ્બરે ગુજરાતના વિવિધ ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. ખાસ કરીને 24 થી 30 સપ્ટેમ્બર દરમિયાન પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ ‘ધબધબાટી’ બોલાવી શકે છે. પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં આ ગાળા દરમિયાન વરસાદની સ્થિતિ વધુ જોરદાર રહેવાની શક્યતા છે

ઓક્ટોબર મહિનો અને નવરાત્રીમાં વરસાદી ઝાપટાંની આગાહી

ઓક્ટોબર મહિનામાં પણ વરસાદી રાઉન્ડ ચાલુ રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે. તારીખ 10 ઓક્ટોબર પછી નવરાત્રીના તહેવાર દરમિયાન એકતરફ ગરમીનો અનુભવ થશે, તો બીજી તરફ વરસાદી ઝાપટાં ખેલૈયાઓની મજા બગાડી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, ઓક્ટોબર મહિનામાં ખાસ કરીને તારીખ 4, 6, 7, 12 અને 15 ઓક્ટોબરના રોજ રાજ્યના જુદા જુદા ભાગોમાં વરસાદ પડવાની પૂરતી શક્યતાઓ રહેલી છે.


Related Posts

Load more