હવે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવુ વધુ સરળ અને ઝડપી બનશે, ટૂંકસમયમાં ઈ-ફાઈલિંગ રિટર્ન-3 લોન્ચ થશે

By: nationgujarat
16 Oct, 2024

IT Return: ઈન્કમટેક્સ ઈ-ફાઈલિંગ રીટર્ન માટેનું નવું પોર્ટલ ઈ-ફાઈલિંગ રીટર્ન-3 ટૂંક સમયમાં જ લોન્ચ કરવામાં આવશે. પ્રોજેક્ટ આઈઈસી-3 હેઠળ આ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં રીટર્ન ફાઈલ કરવાની સિસ્ટમ વધુ સરળ બનશે. તેના યુઝર્સને નડતી સમસ્યામાં ઘટાડો થશે. આ સંદર્ભમાં આંતરિક પરિપત્ર કરી દેવામાં આવ્યો છે. 8 ઓક્ટોબરે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો.

આ સમસ્યાનું નિરાકરણ થશે

ભારતમાં કરવેરો જમા કરાવીને રીટર્ન ફાઈલ કરનારાઓની સંખ્યામાં સતત થઈ રહેલા વધારાને ઘ્યાનમાં લેતા માહિતીનું ત્વરિત વિશ્લેષણ થવું જરૂરી બની ગયું છે. અગાઉના પોર્ટલમાં ચલણ પેમેન્ટ ફેઈલ જવાની, સર્વર ધીમું કે બંધ પડી જવાની સમસ્યા, 26એએસ ડાઉનલોડ કરવાની સમસ્યા અને આઈટીઆરના ફોર્મ ડાઉનલોડ કરવાની સમસ્યા થતી હતી. પરંતુ નવા આઈઈસી-3 હેઠળ થયેલા પોર્ટલમાં આ સમસ્યાઓ નહિંવત્ત બને તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે.

CAની રીટ પિટિશન પેન્ડિંગ

દિવાળી જેવા તહેવારોની સિઝનમાં પણ ઇ-કોમર્સ શોપ્સના કે મોલના કે પ્લેટફોર્મ ફેઈલ થઈ જતાં નથી. જ્યારે આવકવેરાના રીટર્ન ફાઈલ કરવાનાં આવે ત્યારે તેમાં અવરોધ આવે જ છે. તેથી અવરોધ ન આવે તે માટે તેના વર્ઝનમાં સુધારો કરવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં સુરતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્‌સ એસોસિએશને ઉપરોક્ત તકલીફોના અનુસંધાનમાં કરેલી રીટ પિટીશન પેન્ડિંગ પડેલી છે.

આઈઈસી-3માં કરવામાં આવેલી વ્યવસ્થા મુજબ કરદાતા તેમના રીટર્નનું ઇ-ફાઈલિંગ કરી શકશે. તેમણે ભરવાના થતાં જુદાં જુદાં ફોર્મ પણ તેમાં અપલોડ કરી શકશે. તેની સાથે અન્ય સેવાઓનો પણ કરદાતાઓ ઉપયોગ કરી શકશે. સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટર સાથે પણ કરદાતાને કનેક્ટ કરી આપશે. આઈઈસીના માઘ્યમથી બેક ઓફિસ પોર્ટલની સુવિધા પણ મળતી થશે. આઈઈસી-3 પોર્ટલને કારણે આવકવેરા ખાતાની કામગીરી વધુ ચુસ્ત બનશે. કરદાતાઓને પણ તેનો ફાયદો મળશે.


Related Posts

Load more