ધાર્મિક નગરી વારાણસીમાં સનાતન ધર્મ અને સાધુ-સંતોના અપમાનના મુદ્દે સાધુ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પપ્પુ યાદવ દ્વારા સનાતન ધર્મ, ભગવા વસ્ત્રો અને સંત સમાજ વિશે કરવામાં આવેલી કથિત ટિપ્પણીઓથી નારાજ થઈને વારાણસીમાં સાધુ-સંતો એકજૂથ થયા છે અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, આપ સંયોજક અરવિંદ કેજરીવાલ, સાંસદ અવધેશ પ્રસાદ અને પપ્પુ યાદવ સામે પોલીસ સમક્ષ એફઆઈઆર (FIR) નોંધાવી છે.
ફરિયાદી અને સાધુ સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, “અમે આજે અખિલેશ યાદવ, રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, અવધેશ પ્રસાદ અને પપ્પુ યાદવ સામે એફઆઈઆર (FIR) નોંધાવી છે. જે રીતે પપ્પુ યાદવે સનાતન ધર્મ, ભગવા વસ્ત્રો અને સાધુ-સંતોના સમુદાયનું અપમાન કર્યું છે તેના વિરોધમાં અમે આ પગલું ભર્યું છે. સંત સમાજ આજે એકત્ર થઈને એફઆઈઆર દાખલ કરાવી છે અને કડક કાયદાકીય કાર્યવાહી તેમજ સજાની માંગ કરી છે.”
પોલીસ અને તંત્રને અલ્ટીમેટમ આપતાં ફરિયાદી સંતે વધુમાં ઉમેર્યું હતું કે, જો તેમની માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે અને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી નહીં થાય, તો સંત સમાજ કાયદો હાથમાં લેવા અને ઉગ્ર વિરોધ પ્રદર્શનો કરવા માટે મજબૂર બનશે. સાધુ-સંતો દ્વારા વિપક્ષી ગઠબંધનના મોટા નેતાઓ સામે નોંધાવવામાં આવેલી આ એફઆઈઆર બાદ ઉત્તર પ્રદેશના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.