રશિયામાં યુદ્ધ વચ્ચે પહેલીવાર સંસદીય ચૂંટણી, પુતિનની પાર્ટી પ્રચંડ બહુમતી તરફ

By: Nation Gujarat Team
21 Sep, 2026

Russia Elction news : યુક્રેન સાથેના યુદ્ધની વચ્ચે રશિયાની સંસદ ‘સ્ટેટ ડ્યુમા’ની 450 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામો સામે આવવાના શરૂ થઈ ગયા છે. ફેબ્રુઆરી 2022માં યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ પ્રથમ વખત યોજાયેલી આ ચૂંટણીમાં પ્રમુખ વ્લાદિમીર પુતિનની સત્તાધારી ‘યુનાઇટેડ રશિયા’ પાર્ટી અત્યાર સુધીની મતગણતરીમાં 57 ટકા વોટ સાથે સંગીન અને મોટી જીત તરફ આગળ વધી રહી છે.

બે-તૃતીયાંશ બહુમતી મેળવવાનો દાવો

ચૂંટણી પંચના પ્રાથમિક આંકડા અનુસાર, પુતિનની પાર્ટીને સંસદમાં બે-તૃતીયાંશ બહુમતી મળવાની પૂરેપૂરી શક્યતા છે. આ ચૂંટણીમાં લગભગ 57 ટકા જેટલું ઉત્સાહજનક મતદાન નોંધાયું છે, જે પાછલી ચૂંટણીઓ કરતાં વધુ છે. પ્રમુખ પુતિને આ મતદાનને રાષ્ટ્રીય એકતા અને સરહદ પર લડી રહેલા રશિયન સૈનિકોના સમર્થન સાથે સરખાવ્યું હતું. આ ચૂંટણીના આખરી અને સત્તાવાર પરિણામો ૨૫ સપ્ટેમ્બરની આસપાસ જાહેર કરવામાં આવશે.

વિપક્ષી ઉમેદવારો ચૂંટણીમાંથી બહાર

રશિયન સરકારે યુદ્ધનો ખુલ્લેઆમ વિરોધ કરતી ‘યાબ્લોકો’ જેવી વિપક્ષી પાર્ટીઓ અને યુદ્ધ-વિરોધી વલણ ધરાવતા ઉમેદવારોને મુખ્ય રાષ્ટ્રીય યાદીમાંથી બહાર કરી દીધા હતા. આના કારણે મેદાનમાં માત્ર એ જ પક્ષો બાકી રહ્યા હતા જેઓ પ્રમુખ પુતિન અને સરકારની નીતિઓનું સમર્થન કરતા હોય.

મતદાનના અંતિમ દિવસે યુક્રેનનો મોટો ડ્રોન હુમલો

ચૂંટણીના અંતિમ દિવસે યુક્રેને મોસ્કો અને આસપાસના વિસ્તારોને નિશાન બનાવીને 1600 થી વધુ ડ્રોન વડે ભીષણ હુમલો કર્યો હતો, જેમાંથી આશરે 450 ડ્રોન સીધા મોસ્કો તરફ જઈ રહ્યા હતા. આ હુમલામાં બે લોકોના મોત થયા હતા અને રાજધાનીની એક મોટી ઓઇલ રિફાઇનરીને નુકસાન પહોંચ્યું હતું.

પ્રત્યાઘાત અને ઝેલેન્સ્કી-ટ્રમ્પની વાતચીત

યુક્રેનના આ મોટા હુમલા બાદ રશિયા ટૂંક સમયમાં જ આકરો જવાબી હુમલો કરે તેવી શક્યતા છે. બીજી તરફ, હુમલા બાદ યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી હતી અને રશિયન ઓઈલ ખરીદી પર પ્રતિબંધ લાદતા નવા અમેરિકન બિલ પર હસ્તાક્ષર કરવા બદલ ટ્રમ્પનો આભાર માન્યો હતો.


Related Posts

Load more