Japan Earthquake : જાપાનમાં સતત બીજા દિવસે ભૂકંપ! 5.7ની તીવ્રતાના આંચકાથી મચી નાસભાગ, 22 ઘાયલ

By: Nation Gujarat Team
08 Nov, 2026

Japan Earthquake : જાપાનમાં રવિવાર, 8 નવેમ્બર 2026ના રોજ વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર 5.7ની તીવ્રતા ધરાવતા આ ભૂકંપને પગલે અનેક વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભૂકંપના કારણે દુકાનોના કાચ તૂટી ગયા હતા, જ્યારે ઇમારતોમાં રહેતા લોકો જીવ બચાવવા બહાર દોડી આવ્યા હતા. આ દરમિયાન લગભગ 22 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ભૂકંપ બાદ અનેક નાના આંચકા પણ અનુભવાયા હતા.

સવારે 1:04 વાગ્યે આવ્યો ભૂકંપ

જાપાનના સ્થાનિક સમય અનુસાર રવિવારે વહેલી સવારે 1:04 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર શિઝુઓકા પ્રાંતના પશ્ચિમ વિસ્તારમાં જમીનથી આશરે 40 કિલોમીટર ઊંડાઈએ નોંધાયું હતું. પડોશી આઈચી પ્રાંતના ચિતા શહેરમાં સૌથી વધુ તીવ્ર આંચકા અનુભવાયા હતા. આ ઉપરાંત શિઝુઓકા, ગિફુ, યામાનાશી, ક્યોટો અને નારા સહિતના વિસ્તારોમાં પણ ભૂકંપની અસર જોવા મળી હતી. જોકે, રાજધાની ટોક્યોમાં આંચકા અનુભવાયા ન હોવાના અહેવાલ છે. ભૂકંપ બાદ સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નહોતી.

દુકાનોના કાચ તૂટ્યા, લોકોમાં ફફડાટ

ભૂકંપની અસરથી અનેક દુકાનોના બારી-બારણાંના કાચ તૂટી ગયા હતા અને રસ્તાઓ પર કાચના ટુકડા પથરાઈ ગયા હતા. એક બુકસ્ટોરમાં પુસ્તકો શેલ્ફ પરથી નીચે પડી જતાં ભારે અસ્તવ્યસ્તતા સર્જાઈ હતી. અચાનક આવેલા આંચકાથી ગભરાયેલા લોકો ઇમારતોની બહાર દોડ્યા હતા. આ દરમિયાન ભાગવાની ઉતાવળમાં કેટલાક લોકો સીડી પરથી પડીને ઘાયલ થયા હતા. કુલ 22 લોકો ઘાયલ થયાના અહેવાલ સામે આવ્યા છે.

બુલેટ ટ્રેનની ગતિ ધીમી કરાઈ

સુરક્ષાને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત વિસ્તારોમાં શિંકાનસેન બુલેટ ટ્રેનોની ગતિ ઘટાડવામાં આવી હતી. ભૂકંપના કારણે રેલવે ટ્રેકને નુકસાન થયું હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો હતો. જાપાનના હવામાન વિભાગે આગામી દિવસોમાં ફરી ભૂકંપના મજબૂત આંચકા આવી શકે તેવી ચેતવણી આપતાં લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે.

એક દિવસ પહેલાં પણ આવ્યો હતો ભૂકંપ

નોંધનીય છે કે આ ઘટનાના એક દિવસ પહેલાં એટલે કે શનિવાર, 7 નવેમ્બરે પણ જાપાનના હાસાકી નજીક 6.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. સતત બે દિવસમાં આવેલા ભૂકંપના આંચકાઓને પગલે જાપાનના અનેક વિસ્તારોમાં ચિંતા વધી છે.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score