ભાવનગરમાં ત્રણ દિવસ પહેલાં કાચના મંદિર પાસે આવેલા ફોરેસ્ટ કવાર્ટરમાંથી પત્ની, પુત્રી-પુત્રને તકિયાથી મોઢું દબાવી એક પછી એક ત્રણને મોતને ઘાટ ઉતારનાર ACF શૈલષ ખાંભલાને ભાવનગર પોલીસ ઝડપી લીધો છે. ત્યારે શૈલષ ખાંભલાને ફાંસીની સજા કરવાની માગ સાથે સુરતમાં રબારી સમાજની કેન્ડલ માર્ચ યોજાઈ હતી. જેમાં ‘ખાટકી શૈલેષ ખાંભલાને ફાંસી આપો’ ના બેનર સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
સુરત રબારી સમાજે કેન્ડલ માર્ચ કાઢી ભાવનગર ખાતે બનેલી હૃદય કંપાવનારી ટ્રિપલ મર્ડરની ઘટનામાં મૃત્યુ પામેલા નયનાબેન અને તેમના બે માસૂમ બાળકોને શ્રદ્ધાંજલિ આપવા તથા આરોપીને સખતમાં સખત અને ત્વરિત ફાંસીની સજા થાય તે માટે સુરત રબારી સમાજ દ્વારા એક વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઘટના શું હતી? ભાવનગરમાં રહેતા અને ફોરેસ્ટ વિભાગમાં ACF (આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ) તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાના પત્ની અને બે સંતાનો 5મી નવેમ્બરે ગુમ થયા બાદ 16મી નવેમ્બરે ફોરેસ્ટ કોલોનીમાં તેમના ઘરથી 20 ફૂટ દૂર ખાડામાંથી મૃતદહે મળી આવ્યા હતા. શૈલેષે આ હત્યા ઘરકંકાસમાં કરી હતી. શૈલેષ ખાંભલાએ 7 નવેમ્બરે ત્રણેય ગુમ થયાની પોલીસને જાણ કરી હતી, પરંતુ 10 દિવસ બાદ ભાવનગરમાં આવેલા પોતાના ક્વાર્ટરની બાજુમાં જ વિશાળ ખાડામાંથી તેમના મૃતદેહ મળ્યા હતા.
આ સંદર્ભે પોલીસે તપાસ કરતા શૈલેષ ખાંભલાએ જ પત્ની, પુત્ર અને પુત્રીની હત્યા કરી ક્વાર્ટરના પાછળના ભાગમાં હત્યા કરી દાટી દીધા હોવાનો ખુલાસો થયો હતો. આ મામલે ભરતનગર પોલીસે પરિવારના ત્રણ સભ્યોની હત્યા અંગે શૈલેષ ખાંભલા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.