“પ્રેમ કરવો ખોટું નથી, પણ મર્યાદા જરૂરી”: આનંદીબેન પટેલના નિવેદન પર નરેશ પટેલનું સમર્થન, દીકરીઓને આપી મોટી શીખ!

By: Nation Gujarat Team
11 Jul, 2026

રાજકોટ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરીઓ અંગેના નિવેદનનું સમર્થન કરતા મહત્વપૂર્ણ વાત કહી છે. તેમણે જણાવ્યું હતું કે પ્રેમ કરવો એ ખોટું નથી, પરંતુ આજના સમયમાં સોશિયલ મીડિયાના ખોટા આકર્ષણમાં ફસાઈને દીકરીઓએ મુશ્કેલીમાં ન મુકાવું જોઈએ.

દીકરીઓએ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરવી જોઈએ
નરેશ પટેલે સલાહ આપી હતી કે દીકરીઓએ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરવી જોઈએ અને લતા મંગેશકર જેવી મહાન ગાયિકા પાસેથી પ્રેરણા લઈને આગળ વધવું જોઈએ, પરંતુ સાથે સાથે પોતાની મર્યાદાઓનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે દીકરીઓ કયા સંબંધ કે વ્યક્તિને પસંદ કરે છે તે અંગે માતા-પિતાની સંમતિ અને ભવિષ્યની પરિસ્થિતિનો પણ વિચાર કરવો જોઈએ, કારણ કે દીકરીની સુરક્ષા અને ગરિમા એ દરેક પરિવાર માટે ચિંતાનો વિષય છે.

પ્રેમ કરવો એ પાપ નથી…!!
નરેશ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “પ્રેમ કરવો એ પાપ નથી, પરંતુ તે પ્રેમમાં આંધળા થઈને ખોટા પાત્ર સાથે ફસાઈ જવું અને મુશ્કેલીમાં મુકાવવું એ યોગ્ય નથી.” તેમણે સમજાવ્યું કે, જ્યારે પ્રેમ થાય ત્યારે દીકરીઓએ એ વિચારવું જોઈએ કે શું તેમનો આ નિર્ણય તેમના પરિવાર અને માતા-પિતા સ્વીકારશે કે કેમ? તેમણે ઉમેર્યું કે, “જેમને ઘરે દીકરી હોય, તે જ સમજી શકે કે જ્યારે આવી કોઈ દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ સર્જાય ત્યારે માતા-પિતા પર શું વીતતી હોય છે.”

સોશિયલ મીડિયાના આકર્ષણથી ચેતવણી
આજના સમયમાં સોશિયલ મીડિયા એ સંપર્કનું માધ્યમ હોવા છતાં, તે એક ખોટું આકર્ષણ પણ બની રહ્યું છે. નરેશ પટેલે દીકરીઓને સલાહ આપી હતી કે, તેઓ સોશિયલ મીડિયાના ભ્રામક આકર્ષણોથી બચે. જીવનમાં મર્યાદા જાળવવી ખૂબ જરૂરી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, “દીકરીઓએ દરેક ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ, પરંતુ સાથે પોતાની મર્યાદાઓ પણ જોવી જોઈએ. જો કોઈ પાત્ર કે સંબંધ તમારું ભાગ્ય હશે, તો ઈશ્વર પર ભરોસો રાખો, તેને કોઈ છીનવી નહીં શકે. ઉતાવળમાં ખોટા નિર્ણયો લેવાને બદલે ધીરજ રાખવી હિતાવહ છે.”

દીકરીઓએ લતા મંગેશકર જેવી મહાન ગાયિકા પાસેથી પ્રેરણા લેવી જોઈએ
નરેશ પટેલે દીકરીઓને સકારાત્મક માર્ગે આગળ વધવા પ્રેરણા આપી હતી. તેમણે કહ્યું કે, આજની દીકરીઓ સિંગર બની શકે છે અને વિજ્ઞાનથી લઈને કળા સુધીના દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી શકે છે. આ સંદર્ભમાં તેમણે ભારત રત્ન લતા મંગેશકરનું ઉદાહરણ આપતા કહ્યું કે, “દીકરીઓએ લતા મંગેશકર જેવી મહાન ગાયિકા પાસેથી પ્રેરણા લેવી જોઈએ. ફક્ત પાટીદાર સમાજની જ નહીં, પરંતુ સમગ્ર દેશની દીકરીઓની ચિંતા કરવી એ આપણી નૈતિક જવાબદારી છે. દીકરીઓએ પોતાની કારકિર્દી પર ધ્યાન આપીને સમાજનું નામ રોશન કરવું જોઈએ.”


Related Posts

Load more