નવસારીમાં લાંબા વિરામ બાદ વરસ્યો વરસાદ, ડાંગરના પાકને મળ્યું ‘જીવનદાન’; ખેડૂતો ખુશખુશાલ

By: Nation Gujarat Team
01 Jul, 2026

નવસારી: નવસારીમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર ઇનિંગ શરૂ કરી છે. મોડી રાતથી શરૂ થયેલા સાર્વત્રિક વરસાદને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઇ છે. ખાસ કરીને ચિંતામાં ડૂબેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે. સુકાઇ રહેલા ડાંગરના પાકને વરસાદને કારણે નવું જીવનદાન મળ્યું છે.

નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

નવસારી જિલ્લામાં ખેતી માટે જરૂરી વરસાદ મળતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ડાંગરના પાક માટે આ વરસાદ અત્યંત ફાયદાકારક માનવામાં આવી રહ્યો છે, જેના કારણે વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોની ચિંતા દૂર થઈ છે.

જિલ્લામાં રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીના માત્ર 6 કલાકમાં પાંચ તાલુકાઓમાં સારો વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ જલાલપોર તાલુકામાં 37 મિમી (1.54 ઈંચ) નોંધાયો હતો, જ્યારે નવસારી તાલુકામાં 21 મિમી (0.875 ઈંચ), ચીખલીમાં 24 મિમી (1 ઈંચ), ખેરગામમાં 20 મિમી (0.83 ઈંચ) અને ગણદેવીમાં 9 મિમી વરસાદ નોંધાયો હતો. બીજી તરફ વાંસદા તાલુકામાં માત્ર 2 મિમી જેટલો નહીંવત વરસાદ નોંધાતા ત્યાંના ખેડૂતો હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.

પિનાકીન પટેલ નામના ખેડૂતના જણાવ્યા અનુસાર, ડાંગરની વાવણી અને પાકના વિકાસ માટે આ વરસાદ ખૂબ જ જરૂરી હતો. સમયસર વરસાદ મળતા હવે ખેતરોમાં કૃષિ કામગીરીને વધુ વેગ મળશે અને પાકની ગુણવત્તા તેમજ ઉત્પાદન વધવાની આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

હવામાનમાં આવેલા આ બદલાવથી સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમી તથા ઉકળાટમાંથી પણ રાહત મળી છે. જો આગામી દિવસોમાં પણ આવો જ વરસાદ ચાલુ રહેશે તો કૃષિ ક્ષેત્ર માટે આ ચોમાસું આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. બીજી તરફ વહીવટી તંત્ર પણ વરસાદની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂરિયાત મુજબ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.


Related Posts

Load more