અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીને નવા કુલપતિ મળ્યા છે. સુરતની સર પી.ટી. સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સના પ્રિન્સિપાલ ડૉ. પૃથુલ રમેશભાઈ દેસાઈની યુનિવર્સિટીના નવા વાઈસ ચાન્સેલર તરીકે વરણી કરવામાં આવી છે. તેઓ હાલ ઇન્ચાર્જ કુલપતિ તરીકે જવાબદારી સંભાળી રહેલા પ્રો. જગદીશ જોશીનું સ્થાન લેશે. આ નિયુક્તિ ‘ધી ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ, 2023’ની કલમ 10(4) હેઠળ રાજ્યપાલના નામે કરવામાં આવી હોવાનું નિયુક્તિ સંબંધિત વિગતોમાં જણાવાયું છે. નવા કુલપતિનો કાર્યકાળ પદભાર સંભાળ્યાની તારીખથી પાંચ વર્ષ અથવા 65 વર્ષની ઉંમર પૂર્ણ થાય ત્યાં સુધીનો રહેશે. આ બંનેમાંથી જે સમયગાળો વહેલો પૂર્ણ થાય તે લાગુ પડશે.
ડૉ. પૃથુલ દેસાઈ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે 31 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે. તેઓ ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર હોવા ઉપરાંત 14 વર્ષથી વધુ સમયથી પ્રિન્સિપાલ તરીકે શૈક્ષણિક વહીવટની જવાબદારી સંભાળી રહ્યા છે. મે 2012થી તેઓ સુરતની સર પી.ટી. સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સના પ્રિન્સિપાલ તરીકે કાર્યરત છે. અગાઉ ડિસેમ્બર 1994થી મે 2012 સુધી તેમણે નવયુગ સાયન્સ કોલેજ, સુરતમાં ફિઝિક્સના લેક્ચરર તરીકે સેવા આપી હતી. શૈક્ષણિક નેતૃત્વ, સંસ્થાકીય વહીવટ, અભ્યાસક્રમ વિકાસ, સંશોધન, NAAC માન્યતા અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) આધારિત સુધારાઓમાં તેમનો અનુભવ રહ્યો છે.
ડૉ. દેસાઈના નેતૃત્વ હેઠળ સર પી.ટી. સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સે શૈક્ષણિક ગુણવત્તાના ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી છે. કોલેજને 2014માં NAAC દ્વારા 3.03 CGPA સાથે A ગ્રેડ મળ્યો હતો. ત્યારબાદ 2022માં 3.35 CGPA સાથે A+ ગ્રેડ પ્રાપ્ત થયો હતો.
આ ઉપરાંત કોલેજને 2020, 2021 અને 2022માં KCG તરફથી ફાઇવ સ્ટાર રેટિંગ મળ્યું હતું. UGC દ્વારા પણ કોલેજને ‘College with Potential for Excellence’નો દરજ્જો આપવામાં આવ્યો હતો.
ડૉ. પૃથુલ દેસાઈના શૈક્ષણિક વહીવટ દરમિયાન કોલેજે વિવિધ સરકારી અને સંસ્થાકીય એજન્સીઓ પાસેથી વિકાસ માટે કુલ ₹802.92 લાખથી વધુની ગ્રાન્ટ મેળવી હતી. UGC દ્વારા સ્વીકૃત સંશોધન પ્રોજેક્ટ માટે ₹11.27 લાખનું ફંડ પણ પ્રાપ્ત થયું હતું. આ સિદ્ધિઓ તેમના સંસ્થાકીય વિકાસ, સંશોધન અને શૈક્ષણિક ગુણવત્તા સુધારવાના પ્રયાસો દર્શાવે છે.
ડૉ. પૃથુલ દેસાઈએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU), સુરતમાંથી 2010માં ન્યુક્લિયર ફિઝિક્સ વિષયમાં Ph.D. પૂર્ણ કરી હતી. તેમણે 1993માં M.Sc. ફિઝિક્સ (ઇલેક્ટ્રોનિક્સ)માં 62 ટકા ગુણ સાથે યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જ્યારે 1991માં B.Sc. ફિઝિક્સમાં 77 ટકા ગુણ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. 2007માં તેમણે ફિઝિક્સ વિષયમાં ગુજરાતની SLET પરીક્ષા પ્રથમ પ્રયાસે પાસ કરી હતી. તેમના શૈક્ષણિક યોગદાન બદલ 2021-22માં ચુનીલાલ ઘેલાભાઈ શાહ શિક્ષણ રત્ન એવોર્ડ અને 2023માં SGCCI ગોલ્ડન જુબિલી મહાવીર સિન્થેસિસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.