ગિરનાર અભયારણ્યમાં વન્યજીવો માટે વન વિભાગની પીવાના પાણીની વ્યવસ્થા

By: Nation Gujarat Team
08 Mar, 2026

હાલમાં ઉનાળાની શરૂઆત થતાં જ સૂર્યનારાયણ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. આ કાળઝાળ ગરમીની સીધી અસર માત્ર મનુષ્યો પર જ નહીં, પરંતુ પ્રકૃતિના ખોળે વસતા અબોલ જીવો પર પણ જોવા મળે છે. ખાસ કરીને એશિયાટિક સિંહોના ગઢ ગણાતા જૂનાગઢ જીલ્લામાં ગીર વિસ્તાર અને ગિરનાર જંગલમાં સિંહનો વસવાટ છે ત્યારે ગિરનાર જંગલમાં વસતા પ્રાણીઓ, પક્ષીઓ અને અન્ય સૂક્ષ્મ જીવોને આ આકરી ગરમીમાં પીવાનું પૂરતું પાણી મળી રહે તે માટે વન વિભાગ દ્વારા અત્યારથી જ યુદ્ધના ધોરણે આગોતરી વ્યવસ્થા કરવામાં આવી છે.

ગિરનારના પથરાળ અને કપરા ચઢાણ વાળા વિસ્તારોમાં વન્યપ્રાણીઓને પાણીની શોધમાં ભટકવું ન પડે અને માનવ વસાહત તરફ આવવું ન પડે તે હેતુથી વન વિભાગે એક સુવ્યવસ્થિત માળખું ઊભું કર્યું છે.

ઉનાળાના આકરા દિવસોમાં પાણી એ જીવન ટકાવી રાખવા માટેનો સૌથી મહત્વનો સ્ત્રોત ​ગિરનાર અભયારણ્યની ભૌગોલિક સ્થિતિ અને વન્યજીવોની વિવિધતા વિશે વાત કરતા ACF સુનિલ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ગિરનારની આસપાસનો જંગલ વિસ્તાર વર્ષ 2008માં ભારત સરકાર દ્વારા સત્તાવાર રીતે ‘અભયારણ્ય’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ વિશાળ વનરાજીમાં ચિત્તલ, સાબર, જંગલી ભૂંડ અને નીલગાય જેવા અનેક શાકાહારી પ્રાણીઓ મોટી સંખ્યામાં વસવાટ કરે છે. આ શાકાહારી પ્રાણીઓની હાજરીને કારણે અહીં ઇકોસિસ્ટમ જળવાયેલી રહે છે.

પરિણામે ડાલામથ્થા સિંહ અને ચપળ દીપડા જેવા માંસાહારી વન્યજીવોની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો નોંધાયો છે. આ તમામ જીવો માટે ઉનાળાના આકરા દિવસોમાં પાણી એ જીવન ટકાવી રાખવા માટેનો સૌથી મહત્વનો સ્ત્રોત બની જાય છે.

56 પોઈન્ટ્સમાંથી 20 જેટલા વોટર પોઈન્ટ્સ સોલાર એનર્જી પંપથી સજ્જ છે ગિરનારના જંગલમાં કુદરતી વહેણા અને નાળાઓ ચોમાસા દરમિયાન સક્રિય હોય છે પરંતુ, મે અને જૂન મહિનાની કાળઝાળ ગરમીમાં આ કુદરતી સ્ત્રોતો તળિયાઝાટક થઈ જતા હોય છે. આ કપરી પરિસ્થિતિને ધ્યાને રાખીને જૂનાગઢ વન વિભાગ દ્વારા સમગ્ર અભયારણ્ય વિસ્તારમાં કુલ 56 જેટલા કૃત્રિમ વોટર પોઈન્ટ્સ એટલે કે પાણીના કુંડાઓ તૈયાર કરવામાં આવ્યા છે. આ વ્યવસ્થા માત્ર નામ પૂરતી નથી, પરંતુ તેને આધુનિક ટેકનોલોજી સાથે પણ સાંકળવામાં આવી છે.

કુલ 56 પોઈન્ટ્સમાંથી 20 જેટલા વોટર પોઈન્ટ્સ સોલાર એનર્જી પંપથી સજ્જ છે, જે સૂર્યપ્રકાશની મદદથી આપમેળે પાણી ખેંચીને કુંડા ભરે છે. આ ઉપરાંત 8 પોઈન્ટ્સમાં પવનચક્કી દ્વારા પવનની ગતિનો ઉપયોગ કરીને પાણી પુરવઠો જાળવવામાં આવે છે. જ્યાં આ બંને સુવિધાઓ પહોંચી શકે તેમ નથી, તેવા દુર્ગમ વિસ્તારોમાં વન વિભાગના ટેન્કરો દ્વારા નિયમિતપણે પાણી પહોંચાડવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.

24 કલાક પીવા માટે ઠંડુ અને શુદ્ધ પાણી ઉપલબ્ધ ​માત્ર પાણી પૂરું પાડવું જ પૂરતું નથી, પરંતુ તે પાણી સ્વચ્છ અને આરોગ્યપ્રદ હોય તે પણ એટલું જ અનિવાર્ય છે. આ માટે વન વિભાગે દરેક રાઉન્ડ દીઠ બે-બે સમર્પિત રોજમદારોની નિમણૂક કરી છે. આ કર્મચારીઓ દરરોજ દરેક વોટર પોઈન્ટની મુલાકાત લે છે, કુંડામાં રહેલો કચરો કે જૂનું પાણી ખાલી કરી, તેને વ્યવસ્થિત રીતે ઘસીને સાફ કરે છે અને ત્યારબાદ જ તેમાં તાજું પાણી ભરવામાં આવે છે. આ સતત મોનિટરિંગને કારણે વન્યજીવોને કોઈપણ પ્રકારના રોગચાળાનો ભય રહેતો નથી અને તેમને 24 કલાક પીવા માટે ઠંડુ અને શુદ્ધ પાણી ઉપલબ્ધ રહે છે.

વોટર પોઈન્ટની દિવાલો પર જ શણના કોથળા રાખવામાં આવે છે ​ઉનાળાના મધ્યાહને જ્યારે તાપમાનનો પારો 42 ડિગ્રી સેલ્સિયસને વટાવી જાય છે, ત્યારે વન્યપ્રાણીઓના શરીરમાં ડિહાઈડ્રેશનની સમસ્યા સર્જાઈ શકે છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા એક નવીન પ્રયોગ કરવામાં આવ્યો છે, જેમાં જરૂરિયાત મુજબ પાણીમાં ઓ.આર.એસ (ORS) પાઉડર ભેળવવામાં આવે છે. આ દ્રાવણ પ્રાણીઓના શરીરમાં પાણી અને આવશ્યક ક્ષારોનું સંતુલન જાળવી રાખવામાં મદદરૂપ થાય છે, જેથી તેઓ હીટવેવ સામે લડી શકે.

વન વિભાગની સંવેદનશીલતા માત્ર મોટા પ્રાણીઓ પૂરતી મર્યાદિત નથી પરંતુ, મધમાખી અને પતંગિયા જેવા નાના કીટકો માટે પણ ખાસ વ્યવસ્થા કરાઈ છે. વોટર પોઈન્ટની દિવાલો પર જ શણના કોથળા રાખવામાં આવે છે જેમને સતત પાણીથી ભીના રાખવામાં આવે છે. મધમાખીઓ આ ભીના કોથળા પર બેસીને સુરક્ષિત રીતે ભેજ અને પાણી મેળવી શકે છે, જે ઇકોસિસ્ટમના સંવર્ધન માટે અત્યંત જરૂરી છે.

ગિરનારના પહાડોમાં જ પાણીની સુવિધા ઊભી કરવામાં આવી આ સમગ્ર જહેમત પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વન્યજીવોનું રક્ષણ અને માનવ-વન્યપ્રાણી સંઘર્ષને ન્યૂનતમ કરવાનો છે. અનુભવ પરથી જાણવા મળ્યું છે કે, જ્યારે જંગલના અંદરના ભાગમાં પાણી ખૂટી જાય છે ત્યારે તરસ્યા વન્યજીવો પાણીની શોધમાં જંગલની સરહદ વટાવીને ગામડાઓ કે રહેણાંક વિસ્તારો તરફ વળે છે, જે ઘણીવાર સંઘર્ષની સ્થિતિ પેદા કરે છે. જોકે, ગિરનારના પહાડોમાં જ પૂરતા પ્રમાણમાં અને આધુનિક પદ્ધતિથી પાણીની સુવિધા ઊભી કરવામાં આવી હોવાથી, વન્યજીવો જંગલની શાંતિમાં રહીને પોતાની તરસ છિપાવી શકે છે. આમ, જૂનાગઢ વન વિભાગની આ વ્યવસ્થા વન્યજીવ સંરક્ષણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે, જેમાં પ્રકૃતિના નાનામાં નાના જીવની કાળજી લેવામાં આવી છે.


Related Posts

Load more