સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના રણશિંગા ફૂંકાઈ ચૂક્યા છે પરંતુ, આ વખતે રાજકીય પક્ષો માટે રસ્તો આસાન દેખાઈ રહ્યો નથી. પ્રચાર માટે સોસાયટીઓમાં પહોંચી રહેલા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારોને જનતાના આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે.
પરવટ પાટિયાના માધવબાગમાં એક જાગૃત મહિલાએ કોંગ્રેસના નેતાઓને આડેહાથ લેતા પૂછ્યું હતું કે, “જો 35 વર્ષથી સત્તા ભોગવતો ભાજપ કંઈ ઉકાળી શક્યો નથી, તો તમે 3 મહિનામાં શું કરી લેશો?” આ વેધક સવાલ સાંભળી નેતાઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા. બીજી તરફ, કતારગામમાં ભાજપના ઉમેદવાર પણ યુવાનના પ્રશ્નોથી એટલા અકળાયા હતા કે તેમણે કેમેરો બંધ કરાવવા પ્રયાસ કરવો પડ્યો હતો. જનતા હવે માત્ર આશ્વાસન નહીં, પણ ‘કામનો હિસાબ’ માંગી રહી છે. સુરતના માધવબાગ વિસ્તારમાં વર્ષોથી ખાડીપૂરની સમસ્યા વિકરાળ બની છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવારો મતોની આશાએ અહીં પ્રચાર કરવા પહોંચ્યા, ત્યારે સ્થાનિક રહીશોનો પારો સાતમા આસમાને જોવા મળ્યો હતો. લોકોનું કહેવું છે કે ચૂંટણી આવતા જ નેતાઓ હાથ જોડીને આવી જાય છે, પણ બાકીના પાંચ વર્ષ ગંદકી અને પૂરના પાણીમાં જીવતા લોકોની હાલત પૂછવા કોઈ આવતું નથી. રહીશોએ સ્પષ્ટ કહી દીધું છે કે જ્યાં સુધી કામની ખાતરી નહીં મળે ત્યાં સુધી વોટની આશા રાખવી વ્યર્થ છે.
પ્રચાર દરમિયાન કોંગ્રેસના ઉમેદવારોએ જ્યારે ‘પરિવર્તન’ લાવવાની વાતો કરી, ત્યારે એક મહિલાએ તેમની બોલતી બંધ કરી દીધી હતી. મહિલાએ સવાલ કર્યો કે ભાજપના શાસનમાં વર્ષોથી સમસ્યાઓ જસની તસ છે, તો વિપક્ષ તરીકે કોંગ્રેસ પાસે એવું કયું જાદુઈ લાકડું છે કે જે મહિનાઓમાં ઉકેલ લાવી દેશે? આ સવાલ પાછળ જનતાનો એ ડર હતો કે સત્તામાં આવ્યા પછી દરેક નેતા એક સરખા જ સાબિત થાય છે. નેતાઓ પાસે આ તર્કબદ્ધ સવાલનો કોઈ સચોટ જવાબ નહોતો.
માધવબાગના રહીશો હવે મૌખિક વચનોથી છેતરાવા તૈયાર નથી. જ્યારે ઉમેદવારે ‘તમારા અધિકાર માટે લડીશું’ એવી ખાતરી આપી, ત્યારે જાગૃત મહિલાએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, “અમે વોટ આપીએ તો તમે કામ કરશો જ તેની લેખિત બાંહેધરી કોણ આપશે?” આ સાંભળી ઉમેદવારો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. ભૌગોલિક જટિલતા અને વાલક પાટિયાની ખાડીના બહાના હેઠળ નેતાઓએ બચાવ કરવાની કોશિશ કરી હતી, પરંતુ જનતા હવે નક્કર પરિણામ ઈચ્છી રહી છે.
સ્થાનિક મહિલાએ પોતાની આર્થિક અને સામાજિક વ્યથા ઠાલવતા જણાવ્યું કે, આ વિસ્તારમાં ગંદકી અને પાયાની સુવિધાઓ એટલી ખરાબ છે કે જો કોઈ પોતાનું મકાન વેચવા ઈચ્છે તો પણ તેને યોગ્ય બજાર ભાવ મળતા નથી. લોકોની જીંદગીની કમાણી જે મકાનમાં છે, તેની કિંમત પણ રાજકીય નિષ્ક્રિયતાને કારણે ઘટી રહી છે. નેતાઓ જીત્યા પછી ક્યારેય મોઢું બતાવતા નથી તેવી માન્યતા હવે લોકોના મનમાં ઘર કરી ગઈ છે.
માત્ર વિપક્ષ જ નહીં, પણ સત્તાધારી પક્ષ ભાજપને પણ ઠેર-ઠેર વિરોધ નડી રહ્યો છે. કતારગામ વિસ્તારના વોર્ડ નંબર 7 માં જ્યારે ભાજપના ઉમેદવાર સોનુબેન આંબલીયા પ્રચાર માટે નીકળ્યા, ત્યારે એક યુવકે તેમને સવાલ પૂછ્યો હતો કે, “છેલ્લા પાંચ વર્ષમાં તમે વિસ્તારમાં શું કામ કર્યું છે?” આ સાધારણ સવાલ પર ઉમેદવાર સંયમ ગુમાવી બેઠા હતા અને યુવક સાથે દલીલબાજી પર ઉતરી આવ્યા હતા.
જ્યારે યુવાન મતદારે પ્રશ્નો પૂછવાનું ચાલુ રાખ્યું અને તેનો વીડિયો મોબાઈલમાં ઉતારવાનું શરૂ કર્યું ત્યારે સોનુબેન આંબલીયા અકળાઈ ગયા હતા. તેમણે ચાલુ મોબાઈલ બંધ કરાવવા માટે ફોન પર હાથ લગાવી દીધો હતો. લોકશાહીમાં મતદારને સવાલ પૂછવાનો અધિકાર છે, પરંતુ જનપ્રતિનિધિ દ્વારા આ પ્રકારનું વર્તન કરવામાં આવતા સોશિયલ મીડિયામાં પણ આ વીડિયો વાયરલ થયો છે અને લોકોમાં ચર્ચા જગાવી છે.
વોર્ડ-7માં પરિસ્થિતિ એટલી તંગ બની હતી કે યુવકના વારંવારના પ્રશ્નોના જવાબ ઉમેદવાર પાસે નહોતા. પોતાની કામગીરીનો હિસાબ આપવામાં નિષ્ફળ રહેલા સોનુબેન આખરે ત્યાંથી પ્રચાર પડતો મૂકીને રવાના થઈ ગયા હતા. કતારગામ જેવા ભાજપના ગઢ ગણાતા વિસ્તારમાં જનતાનો આવો મિજાજ જોઈને પક્ષના હાઈકમાન્ડમાં પણ ચિંતાના વાદળો છવાયા છે.