કોળી સમાજના આગેવાન પ્રવીણ કોળીએ આ મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું હતું કે, દેશભરમાં અંદાજે 25 કરોડ જેટલી કોળી જ્ઞાતિની વસ્તી છે અને અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ માત્ર સામાજિક નહીં પરંતુ રાજકીય રીતે પણ મહત્વ ધરાવે છે. વિવિધ રાજકીય પક્ષો દ્વારા આવા હોદ્દેદારોને વિશેષ સન્માન અને પ્રતિનિધિત્વ આપવામાં આવતું હોય છે. સાત દિવસના અંતરે બે-બે રાષ્ટ્રીય અધિવેશન યોજાવા સમાજ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. હાલમાં સામાન્ય સમાજ મૂંઝવણમાં છે કે કયા અધિવેશનમાં હાજરી આપવી અને કયા અધિવેશનથી દૂર રહેવું જોઈએ.
અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હીરા સોલંકીનો વિડીયો વાયરલ થયો છે. વાયરલ થયેલા વીડિયોમાં હીરા સોલંકી અખિલ ભારતીય રાષ્ટ્રીય કોળી સમાજના અધ્યક્ષ વિરેન્દ્ર કશ્યપ સાથે જોવા મળ્યા છે. હીરા સોલંકી આ વીડિયોમાં જણાવે છે કે, તેરે દિન અચ્છે હૈ, તું હમસે કિનારા કર લે, હમ તો બુરે લોગ હૈ, બુરે વક્ત મેં ભી કામ આયેંગે. 21 તારીખના રોજ વિરેન્દ્ર કશ્યપના અધ્યક્ષ સ્થાને યોજાનાર રાષ્ટ્રીય અધિવેશનને હીરા સોલંકીનો ટેકો હોવાની ચર્ચા થઈ રહી છે.