અમરેલીમાં પોલીસ અને બૂટેલગર વચ્ચેની વાતચીતની ઓડિયો ક્લિપ વાઈરલ થતાં ખળભળાટ

By: nationgujarat
26 Sep, 2023

અમરેલીમાં પોલીસ અને બૂટેલગર વચ્ચેની વાતચીતની ઓડિયો ક્લિપ વાઈરલ થતાં ખળભળાટ મચ્યો છે. પોલીસકર્મી દ્વારા ખુલ્લેઆમ બૂટલેગરને દારૂ વેચવા માટે પ્રોત્સાહન આપી માસિક 20 હજારના હપતાની માગણી કરવામાં આવતી હોવાની ઓડિયો ક્લિપ વાઈરલ થતાં એસપી દ્વાતા તાત્કાલિક અસરથી પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. ઓડિયો ક્લિપને લઈ અમરેલી જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા પણ અમરેલી પોલીસ પર દારૂ વેચાણને લઈ ગંભીર આક્ષેપો કર્યા છે.

હેડ કોન્સ્ટેબલ જયસુખ મકવાણા અને બૂટલેગર વિપુલ ગોહિલ વચ્ચેની વાતચીતના અંશ
પોલીસકર્મીઃ પૈસા આપી જા આ મહિનાના
બૂટલેગરઃ ઓલા મહિનાના આપીશ
પોલીસકર્મીઃ હેં
બૂટલેગરઃ બે દિવસ ખમો ઓલા મહિનાના આપું, આ મહિનાનું તો મારું બંધ છે હો મામા, ઓલા બધાનું બંધ કરાવો
પોલીસકર્મીઃ ક્યાં તારું બંધ છે?
બૂટલેગરઃ અરે મામા હું અહીંયાં પંદર દિવસથી થોડો હતો?
પોલીસકર્મીઃ મને ખબર હોયને કે તારો માલ ક્યાં ક્યાં જાય છે
બૂટલેગરઃ હું મામા તમારી પાસે ખોટું થોડું બોલું
પોલીસકર્મીઃ હા બોલ બોલ
બૂટલેગરઃ મામા, અત્યારે તમે મને ટેકો આપોને હું દવાખાનામાં સાવ ધોવાઈ ગયો છું હોં
પોલીસકર્મીઃ તું રેવા દેને ભાઈ હવે
બૂટલેગરઃ આ હપતો પોસાણ નથી થતો. હું એક કોથળી દારૂ નથી વેચાતો
પોલીસકર્મીઃ હા તો તું બંધ રાખ બીજું શું
બૂટલેગરઃ હા તો બંધ કરી દઉં
પોલીસકર્મીઃ હા તો બીજું શું કરવું
બૂટલેગરઃ મામા હપતો મને પોસાણ થાય તેમ નથી. અત્યારે મારો 300 રૂપિયાનો દારૂ વેચાતો નથી.હું ખોટું બોલતો હોઉંને તો હું વેચવાનું ચાલુ કરું અને તમે આખો દિવસ ધ્યાન રાખજો કેટલા ગ્રાહકના ફોન આવે છે. મારે મહિને 9 હજારનો દારૂ વેચાય એમાં ખાવાનું કરવું, હપતો દેવો કે માગણા કરવા
બૂટલેગરઃ હવે મને એમ થાય છે કે, દવા પી જાઉં
પોલીસકર્મીઃ હા તો પી જા મોનોકોટો
બૂટલેગરઃ હા તો લઈ દો હાલ, ક્યારે આવું
પોલીસકર્મીઃ અમે ખળ બાળવા માટે દવા લાવ્યા છીએ તો તું પી જા
બૂટલેગરઃ આ બધાનું શું કરશું?
પોલીસકર્મીઃ એ બધાનું કંઈ થાય તેમ નથી
પોલીસકર્મીઃ તું 20 હજાર આપ કોઈને પગ મૂકવા ન દઉં. 24 કલાક ગેટ પર બેસું
બૂટલેગરઃ 20 હજારની શું વાત કરો છો, 10 હજારનો મેળ પડે તેમ નથી
પોલીસકર્મીઃ તારે પૈસા તો દેવા પડેને
બૂટલેગરઃ તમે કહેતા હોવ તો ચાલુ કરું, ચાર પાંચ હજાર આપી શકીશ
પોલીસકર્મીઃ નહીં નહીં મેળ આવે. અત્યારે તેજીનો માહોલ છે
પોલીસકર્મીઃ તું 20 હજાર આપી જા, કોઈને પગ મૂકવા ન દઉં
બૂટલેગરઃ મામા તમારી વાત સાચી, પણ આપણાથી અત્યારે આટલી રકમ નથી થાય એમ
પોલીસકર્મીઃ તું રોદણાં રોવાનું બંધ કર
બૂટલેગરઃ કંઈ નહીં તો હું તમારા પહોંચાડી દઈશ

ભાજપના નેતાએ લીલિયા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા
અમરેલી જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલ દૂધાત દ્વારા દારૂબંધીને લઈ અમરેલી જિલ્લા પોલીસવડાને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, લીલિયા પોલીસ સ્ટેશનની હદમાં તાલુકાનાં 37 ગામ આવે છે. લીલિયા પોલીસ સ્ટેશનમાં જ્યારથી પીએસઆઈ તરીકે એસ.આર.ગોહિલની બદલી થઈ છે ત્યારથી લીલિયા તાલુકામાં ખુલ્લેઆમ બૂટલેગરો દારૂનું વેચાણ કરી રહ્યા છે. જે સામાન્ય નાગરિકો માટે અસહ્ય માનસિક ત્રાસ છે. પીએસઆઈને લોકો દ્વારા વારંવાર મૌખિક ફરિયાદ કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી અને લોકો દારૂ પીવાનું બંધ કરે અને જો આપ સાહેબ સુધી કોઈપણ ફરિયાદ કરવા આવવાનું કહે તો તેના મળતિયા દ્વારા 4 ખોટા કેસમાં ફસાવી આપવાની સામાન્ય લોકોને ધમકી મળે છે. લીલિયા પોલીસ સ્ટેશનના કર્મચારી જયસુખ મકવાણા દ્વારા ખુલ્લેઆમ દારૂના હપતાની માગણી કરતો એક ઓડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જે ઓડિયો ક્લિપ સાંભળતા દારૂ વેચાણ કરનાર પાસેથી હપતો માગણી કરે છે અને દારૂ વેચવા માટે પ્રોત્સાહન પણ આપે છે. જે પોલીસ સ્ટેશનના પીએસઆઈની મદદ વગર અશક્ય છે. જેથી લીલિયા પોલીસ સ્ટેશનના કર્મચારી જયસુખ મકવાણા, ગઢવીભાઈ જમાદાર અને પીએસઆઈ એસ.આર.ગોહિલની હેડકવાર્ટર ખાતે બદલી કરી નિયમોનુસાર કાર્યવાહી કરવા મારી વિનંતી સહ માગણી છે.

ઓડિયો ક્લિપની ખરાઈ બાદ પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયો
અમરેલી પોલીસ વિભાગમાં ખળભળાટ મચાવનારા ઓડિયો બાદ જિલ્લા પોલીસવડાએ તપાસના આદેશ આપ્યા હતા. જેમાં ઓડિયો ક્લિપમાં જે પોલીસકર્મી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તેનો જ અવાજ હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ માલૂમ પડતા તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. આ મામલે ડીવાયએસપી જગદીશસિંહ ભંડારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, એક ઓડિયો ક્લિપ વાઇરલ થઈ હતી જેમાં લીલિયાનો ઉલ્લેખ કરી એક વ્યક્તિ મામાનો ઉલ્લેખ કરી પ્રોહિબિશનને લગતી પ્રવુત્તિ ચલાવવાની તેના બદલામાં આર્થિક લાભ મેળવવા બાબતની વાતચીત કરતા હતા. આ બાબતે જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ દુધાત દ્વારા અરજી પણ આપવામાં આવી હતી. લીલિયામાં પોલીસ કર્મચારી જયસુખભાઈ મકવાણા સામે આક્ષેપ પણ કર્યો હતો જેમાં તપાસ કરતા બૂટલેગર વિપુલ ગોહિલ હોવાનું જણાય છે. ઓડિયો ક્લિપમાં પ્રથમ દૃષ્ટિએ જયસુખભાઈ મકવાણાનો અવાજ હોવાનું જણાતા જિલ્લા અધિક્ષક દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. બૂટલેગરોને ત્યાં સામાન્ય રેડ કરવામાં આવી છે અને તેના ઉપર વોચ રાખવામાં આવી રહી છે જેથી કાર્યવાહી થઈ શકે.

થોડા સમય પહેલાં ખાંભાના ડેડાણમાં દારૂને લઈ બેનર લાગ્યાં હતાં
ભૂતકાળમાં ડેડાણ ગામમાં દારૂના ધંધાર્થીઓનાં નામ સાથે બોર્ડ મૂકી વિરોધ કરાયો હોવાના ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. દારૂનું વેચાણ કરનારા લોકોનાં નામ સાથેના બોર્ડ લાગતા જે તે સમયે પણ ચકચાર મચી હતી.


Related Posts