લો બોલો હવે તો હદ થઇ હો… અમદાવાદમાં નકલી કોર્ટ પકડાઈ, વાંધા વાળી જમીનોના અનેક ઓર્ડર થતા હડકંપ

By: nationgujarat
21 Oct, 2024

અમદાવાદ: ગુજરાતમાં અત્યાર સુધી નકલી કચેરીથી લઇને નકલી પોલીસ, નકલી અધિકારી, નકલી ટોલનાકા, આખે આખી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, ક્લિનિક ચલાવતા બોગસ તબીબ ઝડપાયા હતા. પરંતુ હવે આજ બાકી હતું. સાઉથના એક ફિલ્મની જેમ અમદાવાદમાં આખે આખી નકલી કોર્ટ ઝડપાઈ છે. જી હા…અમદાવાદમાં સિટી સિવિલ કોર્ટની સામે જ નકલી કોર્ટનો ભાંડો ફૂટ્યો છે

રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો છે, ત્યારે નકલી પોલીસ અને અધિકારીઓ બાદ નકલી કોર્ટ પકડાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અમદાવાદમાં હવે નકલી કોર્ટ પકડાઈ છે. જેમાં આર્બિટ્રેટર બની અનેક નકલી ઓર્ડર અપાયા હોવાનો ખુલાસો થયો છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યકિતએ નકલી ઓર્ડર આપ્યા છે. આ સમગ્ર ઘટનાનો ભાંડો સિટીસિવિલ કોર્ટની સામે જ ફૂટ્યો છે. આ નકલી કોર્ટમાં વાંધા વાળી જમીનોના અનેક ઓર્ડર કર્યા હોવાની વાત સામે આવી છે. નકલી લવાદ બનીને પણ અનેક ઓર્ડર કર્યા છે.

આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા હડકંપ મચી ગયો હતો. આ ઘટનામાં કોર્ટે મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચન નામના યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધવા જણાવ્યું છે. રજિસ્ટ્રારે મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન સામે ફરિયાદ નોંધાવી છે. બીજી બાજુ પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી દીધી છે.


Related Posts

Load more