BRICS Summit 2024: આજથી 16મા બ્રિકસ શિખર સંમેલનની શરૂઆત થઈ રહી છે. જેની બે દિવસીય કોન્ફરન્સની અધ્યક્ષતા રશિયા કરી રહ્યું છે. પીએમ મોદી આજે રશિયાના કઝાન શહેરમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરશે. પાંચ મહિનામાં બંને નેતાઓની આ બીજી મુલાકાત હશે.
પાંચ મહિનામાં બંને નેતાઓની આ બીજી મુલાકાત
જુલાઈ 2024 માં પણ પીએમ મોદીએ પુતિન સાથે ભારત-રશિયાની વાર્ષિક બેઠકની અધ્યક્ષતા કરી હતી. જેમાં પીએમ મોદીએ રશિયા-યુક્રેન યુદ્ધનો ઉકેલ લાવવા ઘણા પ્રયાસો કર્યા હતા. આ ઉપરાંત અન્ય વૈશ્વિક મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
આ મુલાકાતના થોડા દિવસો પછી, મોદીએ યુક્રેનની મુલાકાત લીધી અને તેના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે મુલાકાત કરી. બ્રિક્સ સમિટ દરમિયાન પીએમ મોદી તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગન અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયન અને જિનપિંગ સાથે પણ મુલાકાત થઈ શકે છે.
PM મોદી અને પુતિન વચ્ચે શું વાટાઘાટો થશે?
પીએમ નરેન્દ્ર મોદી અને વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે ત્યારે ભારતીય પક્ષ બાકીના ભારતીયોને મુક્ત કરવાનો મુદ્દો ઉઠાવી શકે છે. જુલાઈમાં મોસ્કોમાં પુતિન સાથેની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ રશિયન સેનામાં ફરજ બજાવતા ભારતીય નાગરિકોની વહેલી મુક્તિનો મુદ્દો મુખ્ય રીતે ઉઠાવ્યો હતો.
બ્રિક્સ સમિટ શું છે?
બ્રિક્સ સમિટ એ બ્રાઝિલ, ચીન, ઇજિપ્ત, ઇથોપિયા, ભારત, ઈરાન, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) જેવા દેશો એક ગ્રુપ છે. જેનો ઉદ્દેશ્ય વિકાસશીલ દેશો વચ્ચે આર્થિક સહયોગ વધારવા, સંકલન જાળવી રાખવા, એકબીજા સાથે રાજકીય સંબંધો સુધારવા અને પરસ્પર આર્થિક સહાયતામાં સહકાર આપવાનો છે. આ વખતે રશિયા 16મી બ્રિક્સ સંમેલનનું આયોજન કરી રહ્યું છે.