BREAKING U.S NEWS : યોસેમાઇટ નેશનલ પાર્કમાં અગ્નિશામક હેલિકોપ્ટર ક્રેશ, બંને પાઇલટના મોત

By: Krunal Bhavsar
22 Sep, 2026

BREAKING U.S News : કેલિફોર્નિયાના પ્રખ્યાત યોસેમાઇટ નેશનલ પાર્ક માં જંગલની ભીષણ આગ [Wildfire] ઓલવવા માટે પાણીનો છંટકાવ કરી રહેલું એક હેલિકોપ્ટર તૂટી પડતા તેના બંને પાઇલટ્સના કરુણ મોત નિપજ્યા છે. ક્રેશ દરમિયાન હેલિકોપ્ટરમાં માત્ર બે જ પાઇલટ સવાર હતા, જેઓ ‘પ્રિસિઝન’ નામની કોન્ટ્રાક્ટ એરક્રાફ્ટ કંપની માટે સેવા આપી રહ્યા હતા.

એજન્સીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મૃતક પાઇલટ્સમાંથી એકની ઓળખ ગ્રેગ કિંગ તરીકે થઈ છે, જે અગાઉ અલાસ્કા ફોરેસ્ટ્રી એન્ડ ફાયર પ્રોટેક્શન ડિવિઝન માં કામ કરી ચૂક્યા હતા અને રાજ્યમાં આગ બુઝાવવાના અનેક અભિયાનમાં સામેલ હતા.

યોસેમાઇટ નેશનલ પાર્કમાં હેલિકોપ્ટર ક્રેશ

અમેરિકામાં જંગલની આગ સામે લડતી વખતે આ વર્ષે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે. વર્ષ 2022 માં 25 લોકોના મોત થયા બાદ આ વર્ષે સૌથી વધુ જાનહાનિ નોંધાઈ છે. આ અગાઉ ઓગસ્ટ મહિનામાં ઉટાહ અને કોલોરાડો માં પણ આગ ઓલવવામાં મદદ કરી રહેલા હેલિકોપ્ટર પાઇલટ્સના મોતના અહેવાલ આવ્યા હતા.

અમેરિકામાં આ વર્ષે 14 ફાયરફાઇટર્સે ગુમાવ્યો પોતાનો જીવ

રવિવારે બનેલી આ દુર્ઘટનાના ચોક્કસ કારણો હજુ સુધી સામે આવ્યા નથી. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન [FAA] અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ દ્વારા સંયુક્ત રીતે આ દુર્ઘટનાની તપાસ કરવામાં આવશે. ફેડરલ કોમ્પ્લેક્સ ઇન્સિડેન્ટ મેનેજમેન્ટ ટીમ ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સુપર પુમા હેલિકોપ્ટર [Super Puma Helicopter] આગ બુઝાવવા માટે પાણીની ડોલનો ઉપયોગ કરી રહ્યું હતું તે દરમિયાન તે તળાવ પાસે ક્રેશ થયું હતું.

 

 

 

જંગલમાં આગ ઓલવતા બે પાઇલટના કરુણ મોત

અલાસ્કા ફોરેસ્ટ એન્ડ ફાયર એજન્સી દ્વારા આ દુર્ઘટનાને સમગ્ર વાઇલ્ડલેન્ડ ફાયર ફાઇટીંગ કોમ્યુનિટી માટે એક અપૂરતી ક્ષતિ ગણાવવામાં આવી છે. પ્રિસિઝન કંપનીએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “આ ખૂબ જ મોટું નુકસાન છે અને અમે શોકગ્રસ્ત પરિવારની ગોપનીયતા જાળવવા અપીલ કરીએ છીએ.”

નેશનલ ઇન્ટરએજન્સી ફાયર સેન્ટર ના જણાવ્યા અનુસાર, 15 સપ્ટેમ્બરના રોજ કેલિફોર્નિયાના વાવોના નજીક શરૂ થયેલી ડોમ ફાયર સામે લગભગ 580 કર્મચારીઓ લડી રહ્યા છે. આ આગ આશરે 4.7 ચોરસ માઈલ વિસ્તારમાં ફેલાઈ ચૂકી છે અને હાલમાં 15% જેટલી કાબૂમાં આવી શકી છે. આ દુર્ઘટના સ્થળ ઓસ્ટ્રેન્ડર તળાવ ની દક્ષિણપૂર્વમાં અને અલ કેપિટન થી દક્ષિણમાં નોંધાયું હતું.


Related Posts

Load more