ધારાસભ્ય રીવાબાને મેયર અને સાંસદ પર કેમ આવ્યો ગુસ્સો? જાણો શું હતો મામલો

By: nationgujarat
17 Aug, 2023

આજે જામનગરમાં યોજાયેલા મેરી મીટ્ટી મેરા દેશ કાર્યક્રમમાં રાજકીય સંગ્રામ જેવી સ્થિતિ જોવા મળી હતી. જામનગર ભાજપની જ ત્રણ દિગ્ગજ મહિલા નેતાઓ વચ્ચે થયેલી રકઝકે માહોલ ગરમાયો હતો. ભાજપના ધારાસભ્ય-સાંસદ અને મેયર વચ્ચે બોલચાલથી શરૂ થયેલી વાતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં ધારાસભ્ય રિવાબા વધારે ગુસ્સામાં આવી સાંસદ તેમજ મેયર પર વરસી ગયાં હતાં. આ ઘટના બાદ રિવાબાએ મીડિયા સમક્ષ આવી શું હતો સમગ્ર મામલો અને કેમ આ પ્રકારનું વર્તન કરવાની જરૂર પડી તે અંગે જણાવ્યું હતું. તો બીજી તરફ મેયરે કહ્યું હતું કે – આ અમારી પાર્ટીનો પારિવારિક મામલો છે હું કઈ બોલવા માંગતી નથી.

આવો જાણીએ કેમ રિવાબા ઉગ્ર બન્યાં
ઘટના બાદ રિવાબાએ મીડિયા સમક્ષ આવી સમગ્ર ઘટના વિશે જણાવતાં કહ્યું કે, કોર્પોરેશનનો મેરી મીટ્ટી મેરા દેશ અંતગર્ત શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ હતો. જેમાં સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી સહિતના અગ્રણીઓ હાજર હતાં. જ્યારે એમ.પી. માડમ શહીદ સ્મારકને હાર અપર્ણ કરવા ગયાં ત્યારે એમણે ચંપલ પહેરેલાં હતાં. ત્યારબાદ હું માળા અર્પણ કરવા ગઇ ત્યારે મેં શહીદોનું રિસ્પેક્ટ કરીને ચંપલ ઉતારીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ત્યારબાદ ઘણા આગેવાનોએ ચંપલ ઉતારીને શ્રદ્ધાંજલિ આપી હતી.

એમ.પી. માડમની ટિપ્પણી મને માફક ન આવી: રિવાબા
રિવાબાએ વધુમાં કહ્યું કે, શ્રદ્ધાંજલિ આપીને અમે બધા સાઇડમાં ઊભાં હતાં, ત્યારે એમ.પી. માડમે જોરથી કહ્યું કે, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ પણ આવા કાર્યક્રમમાં ચંપલ નથી ઉતારતા પણ ભાન વગરના લોકો કે જેમને કંઇ ભાન નથી પડતી એવા એક્સ્ટ્રા ઓવર સ્માર્ટ થઇ અને ચંપલ ઉતારે છે. આ એમનું સ્ટેટમેન્ટ હતું. એટલે મારે ન છુટકે સેલ્ફ રિસ્પેક્ટ માટે બોલવું પડ્યું. કારણ કે, આવા કાર્યક્રમમાં જ્યાં આપણે શહીદોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ ત્યાં એમની આવી ટિપ્પણી મને માફક ન આવી એટલે મેં સેલ્ફ રિસ્પેક્ટના ભાગરૂપે એમને કહ્યું કે, બેન તમે મારા વિષે જે ટિપ્પણી કરી છે એ યોગ્ય નથી. મેં પાર્ટી વિરુદ્ધ કોઇ કામ નથી કર્યું, મેં તમને કંઇ નથી કીધું. મેં શહીદોને એકસ્ટ્રા રિસ્પેક્ટ કરીને ચંપલ ઉતાર્યાં છે. એ કોઇ ખોટી વાત નથી.

તમે જે કોઇને કહેતા હોવ પર્સનલી કહો: રિવાબા મેં એમ.પીને એવું કહ્યું તો એમણે કહ્યું કે, મેં તમને કંઇ નથી કીધું હું બીનાબેનને કહું છું. પણ મેં જ પહેલાં ચંપલ ઉતારીને શ્રદ્ધાંજલિ આપી હતી. એટલે મેં એમને કીધું કે તમે જે કોઇ વ્યક્તિને કહેતા હોવ નામજોગ વાત કરો અથવા એમને પર્સનલી કહો જાહેરમાં આવી ટિપ્પણી ન કરો. એટલે આમાં બીનાબેન જોડે કોઇ વાત નહોતી. મારી અને એમ.પી માડમ વચ્ચેની વાત હતી.

બીનાબેન વચ્ચે કૂદી પડ્યાં: રિવાબા
આ દરમિયાન બીનાબેન એમ.પી.ની ફેવર લઇને મારી સાથે વાત કરતાં હતાં. બરાબર મોઢા ઉપર આવીને બોલતાં હતાં. એટલે સેલ્ફ રિસ્પેક્ટ જાળવવા મારે એમને કહેવું પડ્યું. કારણ કે આ મેટરમાં એમને કંઇ લેવાદેવા નહોતી છતાં પણ એ વચ્ચે કૂદી પડીને મારી સાથે તોછડાઇથી વાત કરતાં હતાં, એટલે મારે એમને ન છૂટકે કહેવું પડ્યું. બીનાબેનનો લોકો સાથે વાતચીત કરવાનો જે ટોન છે એ જામનગરની જનતા જાણે જ છે. મારે એમાં કંઇ કહેવાની જરૂર નથી.

આમાં પાર્ટી ઠપકો આપે કે શાબાશી આપે? રિવાબા
મીડિયાએ જ્યારે રિવાબાને સવાલ કર્યો કે, પાર્ટી દ્વારા કોઇ ઠપકો મળ્યો? તો જવાબમાં રિવાબા જાડેજાએ કહ્યું કે, એમાં ઠપકો શેનો? મેં ચંપલ કાઢીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી એમાં પાર્ટી ઠપકો આપે કે શાબાશી આપે? આપણા વડાપ્રધાન સંસદ ભવનનું ઉદ્ધાટન થતું હોય ત્યારે દંડવંત કરે છે એ કંઇ પ્રોટોકોલ નથી. જ્યારે શ્રદ્ધાંજલિ અને સેલ્ફ રિસ્પેક્ટની વાત આવે ત્યારે હું નહીં પણ સામાન્ય નાગરિકને પણ લાગી આવે. આ મેટર કોઇ એટલી બધી મોટી નથી.

આ અમારો પારિવારિક મામલો: મેયર બીનાબેન કોઠારી
આ અંગે મેયર બીનાબેન કોઠારીએ જણાવ્યું હતું કે, આ અમારો ભારતીય જનતા પાર્ટીનો પારિવારિક મામલો છે, એમાં હું કંઇ કમેન્ટ કરવા માંગતી નથી.


Related Posts

Load more