વડોદરા: સ્વામિનારાયણ મંદિરમાં બે જૂથના વિવાદમાં એક વ્યક્તિએ ખોયો જીવ

By: nationgujarat
12 Aug, 2023

વડોદરા: શહેરના છાણી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં તાળા બદલવા મામલે વિવાદ થયો હતો. જે માથાકૂટમાં દિનેશ વણકર નામના વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ છે. આ અંગે ફરિયાદ બાદ પોલીસ તપાસ કરી રહ્યું છે અને તેના પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ અંગે મળતી માહિતી પ્રમાણે, વડતાલ સ્વામિનારાયણ મંદિરના એક જૂથને મંદિરની કામગીરી સોંપવામાં આવી છે જ્યારે અન્ય જૂથ પોતાના સંતને મંદિર મળે તે માટે વિવાદ કરી રહ્યા છે. આ સમગ્ર વિવાદમાં મંદિરના સબ કમિટી સભ્ય દિનેશ વણકરનું મોત થયું હતુ.આ મંદિર વડતાલ તાબા હેઠળનું છે. અહીં વડતાલ સ્વામિનારાયણ મંદિરે એક જૂથને મંદિર સોંપ્યું છે. જ્યારે અન્ય જૂથ પોતાના સંતને મંદિર મળે તે માટે પ્રયાસ કરી રહ્યા છે. આ બે જૂથો વચ્ચેના વિવાદને કારણે જ અન્ય જૂથ પોતાનું તાળું મંદિરમાં લગાવવા માગતા હતા. આમ મંદિરના તાળા બદલવાના મામલે મામલો બિચકતા ત્યાં હાજર લોકો વચ્ચે ધક્કામૂકી થઇ હતી. જેમા દિનેશ વણકર નામની વ્યક્તિ પડી જતાં તેમનું ત્યાં જ મોત થયું છેમંદિરમાં ઘણાં સમયથી ચાલી રહેલા વિવાદ મામલે કોર્ટે મંદિરના કોઠારી સ્વામીના તરફેણમાં ચુકાદો આપ્યો છે. ત્યારે કોઠારી સ્વામીએ તાળા બદલ્યાં તે અંગે અન્ય જૂથના લોકોએ વાંધો ઉઠાવી હુમલો કર્યો હતો. અન્ય જૂથના 9 લોકોએ હુમલો કરતાં ધક્કામુકીમાં 1 વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. માથાકૂટ કરવા આવેલા લોકોએ મંદિરમાં ગેરકાયદેસર કબ્જો જમાવ્યો છે. તે અંગે ફરિયાદ બાદ પણ પોલીસે એક વર્ષથી બંદોબસ્તની સુવિધા આપી ન હતી.આ અંગે પરિવારજનોએ આક્ષેપ કરતા જણાવ્યુ છે કે, મંદિરમાં તાળા બદલવા અંગે ધક્કામુક્કી થઇ હતી. આ દરમિયાન દિનેશભાઇનું મોત નીપજ્યુ છે. આ મામલે હજુ પણ મંદિરના સંતો કાંઇપણ બોલવા માટે તૈયાર નથી. મૃતકના પરિવારજનોએ જણાવ્યુ છે કે, મંદિરમાં દેપક્ષ અને આચાર્યપક્ષ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ અંગે પોલીસે તપાસ તો શરૂ કરી છે. પરંતુ હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી.


Related Posts