Vadodara News: 16 વર્ષની વિદ્યાર્થીનીની જાતીય સતામણી કરનાર નરાધમ શિક્ષકને 5 વર્ષની સખત કેદની સજા

By: Nation Gujarat Team
30 Jun, 2026

Vadodara News:વડોદરાની પોક્સો કોર્ટે એક અત્યંત ગંભીર કેસમાં ચુકાદો આપતા સગીરાની છેડતી કરનાર શિક્ષકને દોષિત ઠેરવી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ધોરણ-11માં અભ્યાસ કરતી 16 વર્ષની વિદ્યાર્થીની સાથે અશ્લીલ ચેષ્ટાઓ કરી ધમકી આપનાર શિક્ષક પરેશ રાકેશભાઈ પરમારને કોર્ટે 5 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

શું હતી સમગ્ર ઘટના?

વડોદરાના એક ખાનગી કલાસિસમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પરેશ પરમારે પોતાની વિદ્યાર્થીનીની મજબૂરીનો લાભ ઉઠાવી તેની સાથે જાતીય સતામણી કરી હતી. આરોપીએ માત્ર સગીરાને હેરાન જ નહોતી કરી, પરંતુ તેને ધમકી પણ આપી હતી જેથી તે ચૂપ રહે. વિદ્યાર્થીનીએ આ બાબતે પરિવારને જાણ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

કોર્ટનો કડક ચુકાદો

કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા રજૂ કરવામાં આવેલા મજબૂત પુરાવાઓ, સાક્ષીઓના નિવેદનો અને પીડિતાની જુબાનીને ધ્યાને રાખીને પોક્સો કોર્ટે આરોપી શિક્ષક પરેશ રાકેશભાઈ પરમારને દોષિત જાહેર કર્યો હતો. કોર્ટે આરોપીને 5 વર્ષની સખત કેદની સાથે રૂ. 5 હજારનો દંડ પણ ફટકાર્યો છે. આ ઉપરાંત, પીડિતાને ન્યાય મળે તે હેતુથી કોર્ટે આરોપીને રૂ. 1 લાખનું વળતર ચૂકવવાનો પણ કડક આદેશ આપ્યો છે.


Related Posts

Load more