ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના સિલ્ક્યારામાં બનેલી સુરંગમાં દિવાળીના દિવસે 12મી નવેમ્બરે મોટો અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં ચારધામ યાત્રા રૂટ પર બનાવવામાં આવી રહેલી ટનલનો એક ભાગ ધરાશાયી થયો હતો, જેમાં 41 મજૂરો ફસાઈ ગયા હતા. જે હજુ સુધી બહાર કાઢવામાં આવ્યા નથી. અકસ્માતમાં ફસાયેલા 41 મજૂરો માટે છેલ્લા 15 દિવસથી બચાવ કામગીરી ચાલી રહી છે. લગભગ સાડા ચાર કિલોમીટર લાંબી સિલ્ક્યારા-બરકોટ ટનલની અંદર ડૂબેલા પહાડમાંથી કામદારોને બચાવવા માટે વિવિધ એજન્સીઓ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી કરી રહી છે.
કામદારોને બહાર કાઢવાના માર્ગમાં સતત મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.સિલ્કિયારામાં 800 એમએમની પાઇપમાં ફસાયેલા ઓગર મશીનને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ માટે લેસર કટર અને પ્લાઝમા કટર જેવા સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કાટમાળમાં ફસાયેલા સ્ટીલના બાર પણ આ કટરથી દૂર કરવામાં આવશે.