UP સરકાર પર ટિપ્પણી બાદ રાજ્યપાલ આનંદીબેન પટેલ 10 દિવસની રજા પર, રાજકીય વર્તુળોમાં ચહલપહલ

By: Nation Gujarat Team
20 Aug, 2026

UP Governor Anandiben Patel On 10 Day Leave: ઉત્તર પ્રદેશમાં છેલ્લા 7 વર્ષથી રાજ્યપાલની ખુરશી સંભાળી રહેલા આનંદીબેન પટેલ સોમવારથી રજા પર છે. પોતાના કાર્યકાળ દરમિયાન તેઓ પહેલીવાર 10 દિવસની લાંબી રજા પર ગયા છે. 17 ઓગસ્ટથી કૌટુંબિક અને અંગત કાર્યક્રમોમાં હાજરી આપવા માટે રાજ્યપાલની આ રજા ચર્ચાનો વિષય બની ગઈ છે, અને અટકળોનો દોર પણ શરૂ થઈ ગયો છે. રાજ્યપાલ આનંદીબેન પટેલે રજા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસેથી પરવાનગી લીધી છે. તેઓ 26 ઓગસ્ટ સુધી રજા પર રહેશે, અને 27 ઓગસ્ટે લખનૌના રાજભવન પરત ફરશે.

રજા દરમિયાન ગુજરાતની મુલાકાતે આનંદીબેન

રાજ્યપાલ આનંદીબેન પટેલ પોતાની રજા દરમિયાન તેમના ગૃહ રાજ્ય ગુજરાત આવ્યા છે. તેઓ 26 ઓગસ્ટ સુધી રજા પર રહેશે, અને 27 ઓગસ્ટે પરત ફરશે. રાષ્ટ્રપતિ પાસેથી મંજૂરી લઈને રાજ્યપાલ પોતાના કાર્યકાળમાં પહેલીવાર આટલી લાંબી અવધિની રજા પર ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યપાલ કૌટુંબિક અને અંગત કાર્યક્રમો માટે ગુજરાત આવ્યા છે. રાજ્યપાલ આનંદીબેન પટેલ આટલી લાંબી રજા પર કેમ ગયા, તેને લઈને તમામ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં તેમના ભાષણોમાં સીએમ યોગી આદિત્યનાથની સાથે યુપી સરકાર અને વહીવટી તંત્ર તેમના નિશાના પર રહ્યા હતા. તેમના નિવેદનો મુખ્યમંત્રી કાર્યાલયમાં ચર્ચાનો વિષય બન્યા હતા.

છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યપાલના કેટલાક નિવેદનોમાં સરકાર અને વહીવટી વ્યવસ્થા અંગે કરાયેલી ટિપ્પણીઓ પણ ચર્ચામાં રહી છે. આ દરમિયાન તેમની તાજેતરની યાત્રાઓને લઈને પણ વાતો સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેમણે હવાઈ મુસાફરી ટાળીને કાનપુર, પ્રયાગરાજ સહિતની કેટલીક યાત્રાઓ ટ્રેન દ્વારા કરી હતી. રાજ્યપાલે વિમાન પ્રવાસ ટાળવાનું શરૂ કર્યું હતું. કાનપુર હોય, પ્રયાગરાજ હોય કે અન્ય કોઈ સ્થળ, તેઓ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. સૂત્રોનું કહેવું છે કે, તેમણે કૌટુંબિક અને અંગત કાર્યક્રમો માટે રજા લીધી છે, પરંતુ આમ છતાં તેમની આટલી લાંબી રજા ચર્ચાનો વિષય બની છે. લખનૌના રાજકીય વર્તુળોમાં સવાલો અને ચર્ચાઓ એ છે કે, આખરે આ સમયે જ રજા કેમ.


Related Posts

Load more