અકસ્માત- MLA GUJARAT પ્લેટવાળી કાર બસમાં ઘૂસી

By: nationgujarat
11 Jul, 2023

રાજ્યમાં દિન-પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે આજે એક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે નડિયાદ નજીકના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પરથી.. જ્યાં કાર અને ST બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતાં બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. જ્યારે 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થતાં એમ્બ્યુલન્સ દોડતી થઇ ગઇ હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે કારનું પડીકુવળી ગયું છે. જ્યારે એસ.ટી. બસ ડિવાઇડર તોડીને હાઇવેની નીચે ઉતરી ગઇ હતી.

કારમાંથી MLA GUJARAT લખેલી પ્લેટ મળી
નડિયાદ પાસેથી અમદાવાદ-વડોદરાને જોડતો એક્સપ્રેસ હાઇવે પસાર થાય છે. મંગળવારે સવારે અહીંયા કાર નંબર (GJ 01 HV 4270) અને ST બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બન્નેની ટક્કર એટલી જોરદાર હતી કે, કાર હાઈવે પર જ ઉથલી પડી હતી, જ્યારે એસટી બસ સીધી રેલીંગ તોડી બાજુની સાઈડમાં ખાડામાં જતી રહી હતી. બંન્ને વાહનોને ભારે નુકશાન પહોંચ્યું હતું. કારમાં સવાર બે લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે એસટી ખાડામાં પડતા ઈમરજન્સી દરવાજા મારફતે મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માત ગ્રસ્ત કારમાંથી MLA GUJARAT લખેલી પ્લેટ પણ મળી આવી છે.

કાર ડિવાઇડર કૂદીને બસમાં ઘૂસી: એસ.ટીચાલક
એસ.ટીના ચાલક રાકેશભાઈએ જણાવ્યું કે, આ બસ અમે વડોદરાથી ગાંધીનગર સચિવાલય જતી હતી. નડિયાદ પાસે અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. હું મારી સાઈડમાં એસટી હંકારતો હતો આ દરમિયાન ડીવાઈડર જંપ કરીને આવેલી કાર મારા બસના આગળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી. આથી મારી બસ અનકન્ટ્રોલ થઈ જતાં બસ સીધી ખાલી સાઈડની રેલીંગ તોડી ખાડામાં ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં મારી ભુલ નથી. એસટીના ચાલક સહિત ગંભીર રીતે ઘવાયેલા 3 લોકોને વડોદરાની સયાજી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યારે એસટીમાં સવાર 10 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.


Related Posts

Load more