વિધાનસભામાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ- 2023 રજૂ થશે

By: nationgujarat
16 Sep, 2023

રાજ્યની 15મી વિધાનસભાના ત્રીજા સત્રના ચોથા દિવસે સરકાર ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ- 2023 રજૂ કરશે. જો આ બિલ પસાર થશે તો પ્રધ્યાપકોની નિમણૂક, બદલી, યુનિવર્સિટીની કામગીરી ઉપરાંત સરકારી ગ્રાન્ટ બાબતે પણ મહત્વના નિર્ણયો રાજ્ય સરકાર હસ્તક થઈ જશે. આ ઉપરાંત તમામ યુનિવર્સિટી કે જે સરકારી છે તે તમામના અધિનિયમો પણ રદ થઈ શકશે.

નેશનલ એજ્યુકેશન પોલિસી હેઠળ રાજ્ય સરકારે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ- 2023નો ડ્રાફટ જાહેર કરી 12 ઓગસ્ટ સુધી સૂચનો મગાવ્યા હતા. અગાઉ વિધાનસભામાં આ બિલ ચાર વખત નામંજૂર થઈ ચુક્યુ છે. ત્યારે ફરી એકવાર સરકાર આ બિલ વિધાનસભામાં રજૂ કરવા જઈ રહી છે. આ બિલનો વિરોધ કોંગ્રેસ તો પહેલાથી જ કરી રહી છે ત્યારે હવે વિદ્યાર્થીઓ અને અધ્યાપકો પણ આ બિલના વિરોધમાં જોડાયા છે.

સરકાર મંજૂરી આપશે પછી જ ભરતી થશે
રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી વિના યુનિવર્સિટીએ અધ્યાપકો અધિકારીઓ અથવા અન્ય કર્મચારીઓની નવી જગ્યાઓ ઊભી કરી શકશે નહીં. ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયકમાં રાજ્ય સરકારે ભરતી બાબતની પણ ખાસ જોગવાઈ કરી છે. આ ઉપરાંત અધ્યાપકો, અધિકારીઓ અને અન્ય કર્મચારીઓના પગાર ભથ્થા નિવૃત્તિ પછીના લાભો અને અન્ય લાભોમાં સુધારો કરવો જોઈશે નહીં. આ સાથે જ પ્રાપ્ત થયેલ કોઈ નિર્ધારિત ભંડોળને પણ વાપરી શકશે નહીં. યુનિવર્સિટી સ્થાવર મિલકતના વેચાણ અથવા તો ભાડાની તબદીલી પણ કરી શકશે નહીં, આમ તમામ સત્તા સરકારની પૂર્વ મંજૂરી વિના કંઈ પણ થઈ શકશે નહીં.


Related Posts