ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિ જાહેર કરી

By: Nation Gujarat Team
02 Oct, 2026

Yuzvendra Chahal retirement: ટીમ ઈન્ડિયાના સ્ટાર લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેમનો આ નિર્ણય તાત્કાલિક અસરથી લાગુ થશે.

ચહલે સ્પષ્ટ કર્યું છે કે, તેઓ વ્હાઇટ-બોલ ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. 36 વર્ષીય ચહલે તેમની છેલ્લી રેડ બોલ મેચ લોર્ડ્સમાં નોર્થમ્પટનશાયર માટે રમી હતી. ચહલ વ્હાઇટ બોલ ક્રિકેટમાં રમતા જોવા મળશે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ પર રિટાયર્મેન્ટની જાહેરાત કરી છે.

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કેવું પ્રદર્શન રહ્યું?

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં યુઝવેન્દ્ર ચહલે 49 મેચની 79 ઇનિંગ્સમાં કુલ 148 વિકેટ ઝડપી છે. તેમણે 9,154 બોલમાં 4,777 રન આપ્યા હતા. આ દરમિયાન તેમની બોલિંગ એવરેજ 32.27, ઇકોનોમી 3.13 અને સ્ટ્રાઇક રેટ 61.8 રહ્યો હતો. ચહલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 6 વખત પાંચ વિકેટ અને 8 વખત ચાર વિકેટ લેવાની સિદ્ધિ પણ મેળવી છે. તેમનું એક ઇનિંગ્સમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 44 રનમાં 6 વિકેટ અને એક મેચમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 99 રનમાં 9 વિકેટનું રહ્યું છે.

તેમણે વધુમાં લખ્યું છે કે, ‘હરિયાણા ક્રિકેટ એસોસિયેશન, શ્રી રણબીર સિંહ મહિન્દ્રા સર અને શ્રી અનિરુદ્ધ સિંહ ચૌધરી સરનો વિશેષ આભાર. મારા સમગ્ર સફર દરમિયાન સતત મારું સમર્થન કરવા, મારા પર વિશ્વાસ મૂકવા અને મારો વિશ્વાસ જાળવી રાખવા માટે હું તમારો આભારી છું. 10 વર્ષની ઉંમરે પહેલીવાર હાથમાં રેડ બોલ પકડવાથી લઈને અંતિમ ફર્સ્ટ ક્લાસ મેચ રમવા સુધીનો આ સફર ખરેખર શાનદાર રહ્યો.’

ચહલે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, રેડ-બોલ ક્રિકેટ સાથેની મારી સફર પૂર્ણ થઈ છે, પરંતુ વનડે અને T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો નથી. દેશ માટે રમવાની મારી ઇચ્છા હજુ પણ એટલી જ પ્રબળ છે અને આ બંને ફોર્મેટમાં ભારતીય ટીમમાં વાપસી કરવાની તક મેળવવા માટે હું પૂરો પ્રયાસ કરીશ.માટે હું પૂરો પ્રયાસ કરીશ.

રિટાયર્મેન્ટ પોસ્ટમાં ચહલે શું લખ્યું?

ચહલે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે, ‘મેં પહેલી વખત રેડ બોલ મારા હાથમાં પકડ્યો હતો. ત્યારે હું દસ વર્ષનો હતો અને મને બિલકુલ અંદાજો નહોતો કે, મને ક્રિકેટ સાથે આટલો ગાઢ પ્રેમ થઈ જશે. મારા માટે રેડ બોલ ક્રિકેટ ક્યારેય માત્ર ફોર્મેટ નથી રહ્યું. ત્યાં જ મેં ધીરજ, ચરિત્ર, સંઘર્ષ કરવાની ક્ષમતા અને કેટલાય કલાકો સુધી મેદાનમાં રહીને રન અને દરેક વિકેટ માટે લડવાની સાચી ખુશી સમજી છે. મેં મારી છેલ્લી ફર્સ્ટ ક્લાસ મેચ લોર્ડ્સમાં રમી. આ શબ્દો લખવા મારા માટે ભાવુક છે. કારણ કે, ટેસ્ટ કેપ પહેરવી હંમેશા મારા માટે એક સપનું હતું. આ એક એવું સપનું હતું કે, જે મેં કેટલાય વર્ષો સુધી સાથે રાખ્યું. આ સપનું કદાચ ક્યારેય પૂરું થઈ શક્યું નહીં, પરંતુ મારા અત્યાર સુધીના સફરમાં હું સાચે જ સંતુષ્ટ છું અને આ ફોર્મેટમાં મને મળેલી તમામ તક માટે ખૂબ જ આભારી છું. રેડ બોલે મને મારી જિંદગીની કેટલીક સૌથી સુંદર યાદો આપી છે અને તે મારી પાસેથી કોઈ છીનવી શકશે નહીં. મારા દેશ માટે રમવાની મારી ભૂખ હજુ જીવંત છે. મને વિશ્વાસ છે કે, મારી અંદર હજુ ક્રિકેટ બાકી છે અને વનડે અને T20 ફોર્મેટમાં એક તક મેળવવા માટે હું મારાથી બનતા બધા જ પ્રયત્નો કરીશ.’

યુઝવેન્દ્ર ચહલની એક સોશિયલ મીડિયા પોસ્ટે 23 સપ્ટેમ્બરે ક્રિકેટ જગતમાં હડકંપ મચાવ્યો હતો. ચહલે તે દિવસે લંડનમાં ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પોતાની કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં તેઓ ખેલાડીઓના સ્ટેન્ડમાં ઊભેલા જોવા મળે છે અને કેપ્શનમાં માત્ર એટલું જ લખ્યું હતું કે- ‘The Last Dance’.

ચહલના આ કેપ્શનનો મતલબ તે સમયે સ્પષ્ટ નહોતો. જો કે, સોશિયલ મીડિયા પર તેને નિવૃત્તિ સાથે જોડવામાં આવી હતી.

ઘણાં સમયથી ટીમ ઇન્ડિયામાંથી બહાર છે ચહલ

ભારતીય ટીમમાં ચહલની ઘણાં લાંબા સમયથી ગેરહાજરી પણ તેનું એક કારણ હતી. તેમણે અંતિમ ODI ભારત માટે 24 જાન્યુઆરી, 2023ના દિવસે ન્યૂઝિલેન્ડ સામે રમી હતી. તો તેમણે અંતિમ T20I 13 ઓગસ્ટ, 2023ના દિવસે વેસ્ટ ઇન્ડિઝ સામે રમી હતી.


Related Posts

Load more