Rajkot Liquor Party: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી (Prohibition in Gujarat) ના કાયદાના અમલની વાતો વચ્ચે રાજકોટ શહેરમાંથી ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતો કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં હવે ‘પ્રાઇવેટ થિયેટર’ (Private Theatre) ના નામે ચાલતા બર્થડે સેલિબ્રેશનના વ્યવસાયની આડમાં દારૂની મહેફિલો જામતી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. સોશિયલ મીડિયા (Social Media) પર દારૂની બોટલો સાથે ઉજવણી કરતો એક વીડિયો વાયરલ થતાં સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે.
વાયરલ થયેલા વીડિયો અંગે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દ્રશ્યો રાજકોટના પોશ ગણાતા 150 ફૂટ રીંગરોડ (150 Feet Ring Road) પર આવેલી ‘ઈવેન્ટ ફ્લેક્સ’ (Event Flex) નામની જગ્યાના છે. અહીં ‘બર્થડે પેકેજ’ (Birthday Package) ની આડમાં યુવાનોને દારૂની મહેફિલ માણવાની સુવિધા પૂરી પાડવામાં આવતી હોવાનું વીડિયોમાં દેખાઈ રહ્યું છે.
આશ્ચર્યની વાત એ છે કે કાયદાનો કોઈ જ ડર રાખ્યા વિના સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ આ પ્રકારની ‘દારૂપાર્ટી’ (Liquor Party) નું પ્રમોશન કરવામાં આવી રહ્યું છે. દારૂની બોટલો સાથે કેક કાપીને સેલિબ્રેશન કરતા યુવાનોના વીડિયો સામે આવતા અનેક સવાલો ઉભા થયા છે. (નોંધ: અમારી સંસ્થા આ વાયરલ વીડિયો (Viral Video) ની સત્યતાની પુષ્ટિ કરતી નથી).
રાજકોટમાં ઠેર-ઠેર ખુલી ગયેલા ખાનગી થિયેટરો અને સેલિબ્રેશન ઝોન સામે અગાઉ પણ અનેક ફરિયાદો ઉઠી ચૂકી છે. ત્યારે આ ઘટના બાદ સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે શું રાજકોટમાં પ્રાઇવેટ થિયેટરના નામે ગેરકાયદેસર બાર (Illegal Bar) ધમધમી રહ્યા છે?
ખાનગી થિયેટરના સંચાલકોને શું પોલીસ કે વહીવટી તંત્રનો કોઈ જ ડર રહ્યો નથી? યુવાધનને નશાના રવાડે ચડાવતી આવી પ્રવૃત્તિઓ સામે હવે રાજકોટ પોલીસ (Rajkot Police) અને સ્થાનિક તંત્ર કોઈની શેહશરમ રાખ્યા વિના તટસ્થ તપાસ કરીને કડક દાખલારૂપ કાર્યવાહી કરશે કે કેમ, તેના પર સમગ્ર શહેરની નજર ટકેલી છે.