IPL 2024 માટે ક્વોલિફાય થવાની મુંબઈ ઈન્ડિયન્સની આશા અકાળે સમાપ્ત થઈ ગઈ છે. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં મુંબઈ IPL 2024માંથી બહાર થનારી પ્રથમ ટીમ બની હતી. ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ રોહિત શર્માને સુકાનીપદેથી હટાવવામાં આવ્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સના કેમ્પમાં ખળભળાટ મચી ગયો હતો. રસપ્રદ વાત એ છે કે, મુંબઈ કેમ્પના ચાર ખેલાડીઓ 2 જૂનથી શરૂ થઈ રહેલા T-20 વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમ માટે રમશે, જેમાં કેપ્ટન રોહિત શર્મા, વાઇસ-કેપ્ટન હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને જસપ્રિત બુમરાહ જેવા મોટા નામ સામેલ છે.
શું રોહિત-અગરકર પંડ્યાનો વિરોધ કર્યો?
હવે T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની પસંદગીના 15 દિવસ બાદ એક મોટો ખુલાસો થયો છે. સૂત્રોને ટાંકીને દૈનિક જાગરણના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે કેપ્ટન રોહિત તેમજ મુખ્ય પસંદગીકાર અજીત અગરકર સહિત BCCIના કેટલાક પસંદગીકારો 15 સભ્યોની ટીમમાં હાર્દિક પંડ્યાને સામેલ કરવાના પક્ષમાં ન હતા. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પંડ્યાને ટી-20 વર્લ્ડ કપ માટે ‘પ્રેશર હેઠળ’ પસંદ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે રોહિત T20 વર્લ્ડ કપ પછી T20 ફોર્મેટ છોડી શકે છે.
30 એપ્રિલે ભારતીય T20 ટીમની પસંદગીના થોડા દિવસો બાદ, જ્યારે કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે પત્રકારોના પ્રશ્નોના જવાબ આપવા માટે પ્રેસ કોન્ફરન્સ યોજી ત્યારે પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. મુખ્ય પસંદગીકારને હાર્દિકના ખરાબ ફોર્મ છતાં ટીમમાં સામેલ કરવા અંગે પૂછવામાં આવ્યું હતું. જવાબમાં, અગરકરે સમજાવ્યું હતું કે કેવી રીતે પસંદગી સમિતિ પાસે કોઈ વિકલ્પ નથી કારણ કે વર્તમાન પૂલમાં હાર્દિકનો કોઈ વિકલ્પ નથી, જે નીચલા ક્રમમાં વિસ્ફોટક બેટિંગ તેમજ ચાર ઓવરની મધ્યમ ગતિની બોલિંગ ઓફર કરે છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા અને રોહિત શર્મા બંને અત્યારે ખૂબ જ ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યા છે. રોહિત શર્મા, જે 37 વર્ષનો થયો છે, તેણે IPL 2024ની 13 ઇનિંગ્સમાં સદી ફટકારી હોવા છતાં 29.08ની સામાન્ય સરેરાશથી માત્ર 349 રન બનાવ્યા. બીજી તરફ, 30 વર્ષીય હાર્દિક પંડ્યાએ આ 13 મેચમાં માત્ર 200 રન બનાવ્યા છે જ્યારે તેણે બોલિંગમાં સાડા 10થી વધુની ઈકોનોમી સાથે 11 વિકેટ પણ લીધી છે.