Surat – ડુમસમાં ઝડપાઇ હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી, 6 ધનાઢ્ય વેપારીઓ મહેફિલ માણતા ઝડપાયા

By: Nation Gujarat Team
17 Aug, 2026

સુરત શહેરના પોશ ગણાતા ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સતત બીજા દિવસે પણ દારૂની હાઈપ્રોફાઈલ મહેફિલ ઝડપાતાં ભારે ચકચાર મચી ગઈ છે. ડુમસ પોલીસની ટીમે બાતમીના આધારે રાજહંસ બેલિઝાના B ટાવરમાં આવેલા ફ્લેટ નંબર 1317માં દરોડો પાડીને દારૂ પાર્ટી કરી રહેલા શહેરના 6 જાણીતા વેપારીઓને રંગેહાથ પકડી પાડ્યા છે.

ફ્લેટ વેપારી અનુપમ પાંપાળીયાનો જ હતો

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, 16 ઓગસ્ટની મોડી રાત્રે ડુમસ પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે જે ફ્લેટમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી તે ફ્લેટ વેપારી અનુપમ પાંપાળીયાનો જ હતો. આ તમામ વેપારીઓ પોતાની લક્ઝુરિયસ કારમાં દારૂની બોટલો શોધીને ફ્લેટ પર લાવ્યા હતા અને મહેફિલ માણી રહ્યા હતા.

14 આખી ભરેલી બોટલો તેમજ 2 ખાલી બોટલો મળી

દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી દારૂની 14 આખી ભરેલી બોટલો તેમજ 2 ખાલી બોટલો મળી કુલ 16 બોટલ, 8 સ્માર્ટફોન અને 1 લક્ઝરી કાર સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા તમામ 6 વેપારીઓ વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને તેમની અટકાયત કરવામાં આવી છે અને આગળની કાયદેસરની તપાસ અર્થે મેડિકલ પરીક્ષણ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


Related Posts

Load more