શ્રીનગરથી દિલ્હી જતી ફ્લાઇટ નંબર SG-386 ના બોર્ડિંગ ગેટ પર એક મુસાફરે સ્પાઈસ જેટના કર્મચારીઓ પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, 26 જુલાઈ 2025ના દિવસે બનેલી આ ઘટનામાં એરલાઇન્સના ચાર કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા.
આ મામલે સ્પાઈસ જેટના પ્રવક્તાએ કહ્યું કે, ’26 જુલાઈ 2025ના દિવસે, શ્રીનગરથી દિલ્હી જતી ફ્લાઇટ નંબર SG-386ના બોર્ડિંગ ગેટ પર એક મુસાફરે સ્પાઈસ જેટના ચાર કર્મચારીઓ પર ગંભીર હુમલો કર્યો હતો. અમારા કર્મચારીઓને લાતો અને મુક્કા મારવામાં આવ્યા હતા, જેના કારણે કરોડરજ્જુમાં ફ્રેક્ચર થયું હતું અને એક કર્મચારીને જડબામાં ગંભીર ઇજાઓ થઈ હતી.’
ઘાયલ કર્મચારીઓને હોસ્પિટલમાં લઈ જવાયા
એરલાઇન્સે જણાવ્યું હતું કે, સ્પાઈસ જેટનો એક કર્મચારી બેભાન થઈ ગયો હતો, પરંતુ મુસાફરે બેભાન કર્મચારીને પણ લાતો, મુક્કા મારવાનું ચાલુ રાખ્યું હતું. આ દરમિયાન, બીજો કર્મચારી તેના બેભાન સાથીદારને મદદ કરવા માટે નીચે ઝૂક્યો, ત્યારે આ શખસે તેને જડબા પર જોરથી લાત મારી, જેના કારણે તેના નાક અને મોંમાંથી લોહી નીકળવા લાગ્યું. ઈજાગ્રસ્ત કર્મચારીઓને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
સ્પાઈસ જેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, એક મુસાફર જે એક વરિષ્ઠ સૈન્ય અધિકારી હતો, કુલ 16 કિલો વજનના બે કેબિન સામાન લઈને જઈ રહ્યો હતો, જે 7 કિલોની મર્યાદા કરતાં બમણાથી વધુ હતો. જ્યારે તેને વધારાના સામાન વિશે નમ્રતાપૂર્વક જાણ કરવામાં આવી અને લાગુ ફી ચૂકવવાનું કહેવામાં આવ્યું, ત્યારે મુસાફરે ઇનકાર કર્યો અને બોર્ડિંગ પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના બળજબરીથી એરોબ્રિજમાં ઘુસી ગયો- જે ઉડ્ડયન સુરક્ષા પ્રોટોકોલનું સ્પષ્ટ ઉલ્લંઘન હતું.