તમારા નામે કોઈ બીજું તો નથી ચલાવી રહ્યુંને SIM? ફટાફટ આ રીતે કરી લો ચેક, નહીં તો થશે જેલ અને ભરવો પડશે લાખોનો દંડ!

By: Nation Gujarat Team
22 Sep, 2026
તમારા માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જો તમારા નામનું SIM કાર્ડ કોઈ બીજી વ્યક્તિ ચલાવતી હશે, અને એ SIMનો ગેરકાયદેસર કામમાં વપરાશ થતો હશે તો તમે ધાર્યું પણ નહીં હોય કે તમારી સાથે શું થઈ શકે છે. તમારે જેલમાં અથવા લાખોનો દંડ ભરવો પડી શકે છે. દૂરસંચાર વિભાગે એક કડક ચેતવણી જાહેર કરી છે, જેનાથી અનેક લોકોની ચિંતા વધી ગઈ છે, પરંતુ ડરવાની જરૂર નથી, તમે ચેક કરી શકો છો કે તમારા નામે કેટલા SIM કાર્ડ ચાલી રહ્યા છે. જો તમને લાગે કે આ સિમ તમે નથી ખરીદેલું તો અમે તમને જણાવીએ એ રીતે તમે તેને બંધ કરાવી શકો છો.
દૂરસંચાર વિભાગ DoTએ 21 સપ્ટેમ્બરે જાહેર કરેલી પોતાની ચેતવણીમાં સ્પષ્ટ કહ્યું છે કે જો કોઈ વ્યક્તિ છેતરપિંડી કરીને સિમ મેળવે છે, ટેલિકોમ ઓળખ સાથે ચેડાં કરે છે અથવા મોબાઇલનો IMEI નંબર બદલે છે, તો હવે તેની સામે કડક કાર્યવાહી થશે. નવા ટેલિકોમ કાયદા હેઠળ આવા મામલામાં ₹50 લાખ સુધીનો ભારે દંડ અને 3 વર્ષ સુધીની જેલ થઈ શકે છે.
પોતાના નામનું સિમ કોઈને ન આપો – CNBCના અહેવાલ મુજબ, દૂરસંચાર વિભાગે ચેતવણી આપી છે કે પોતાના નામે લીધેલું સિમકાર્ડ કોઈ અન્ય વ્યક્તિને ઉપયોગ કરવા માટે બિલકુલ ન આપો. કારણ કે જો તે સિમથી કોઈ સાયબર ગુનો અથવા ગેરકાયદેસર કામ થશે, તો પોલીસ સૌથી પહેલાં તે વ્યક્તિને નહીં શોધે જેણે ગુનો કર્યો છે, પરંતુ પહેલા એને પકડશે જેના નામનું સિમકાર્ડ હોય.
છત્તીસગઢનું ‘સિમ કાંડ’ બન્યું કારણ – હકીકતમાં, તાજેતરમાં સામે આવેલા એક મોટા સાયબર કૌભાંડ બાદ આ કડકાઈ કરવામાં આવી છે. છત્તીસગઢમાં સિમ વેચતા એક દુકાનદારે ગ્રાહકો સાથે મોટી છેતરપિંડી કરી હતી. લોકો તેની પાસે સિમ લેવા જતા હતા, ત્યારે તે તેમની ઓળખનો પુરાવો લેતો હતો અને ગ્રાહકોને જાણ પણ ન થાય તે રીતે એ જ ઓળખના આધારે ધડાધડ 25 અન્ય મોબાઇલ કનેક્શન સક્રિય કરી દેતો હતો.

જ્યારે DoTના ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મે આ છેતરપિંડી પકડી, ત્યારે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. ટેલિકોમ કંપનીઓએ સાથે મળીને આ એજન્ટને બ્લેકલિસ્ટમાં મૂકવામાં આવ્યો છે. આ તમામ 25 નંબરની તપાસ કરવામાં આવી અને ખોટા જણાયા બાદ તેમને કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યા હતા.

ઘરે બેઠા આ રીતે ચેક કરો પોતાના નામના સિમ – હવે સૌથી મોટો સવાલ એ છે કે તમારી ઓળખના આધારે કોઈ બીજું તો સિમનો ઉપયોગ નથી કરી રહ્યું ને, તે કેવી રીતે ખબર પડશે? સરકારે તેના માટે ‘સંચાર સાથી’ પોર્ટલ (sancharsaathi.gov.in) બનાવ્યું છે. આ પોર્ટલને તમારા મોબાઈલ અથવા કમ્પ્યુટર પર ખોલો. તેમાં TAFCOP વિકલ્પ પસંદ કરો, હોમપેજ પર આપેલા ‘Know Your Mobile Connections’ પર ક્લિક કરો, હવે તેમાં લોગિન કરો, તમારો મોબાઈલ નંબર દાખલ કરો, પછી તમારા ફોન પર આવેલો OTP નાખીને સબમિટ કરો. હવે આખું લિસ્ટ જુઓ. લોગિન થતાં જ સ્ક્રીન પર તમારા ID સાથે જોડાયેલા તમામ સક્રિય મોબાઈલ નંબર દેખાવા લાગશે. જો તમને કોઈ અજાણ્યો નંબર દેખાય તો એક સેકન્ડનો પણ વિલંબ કર્યા વિના તેને બંધ કરાવો. બંધ કરાવવા માટે એ નંબરને સિલેક્ટ કરો, પછી ‘Not My Number’ અથવા ‘Report’ પર ક્લિક કરો. સરકાર તેને બ્લોક કરી દેશે. (Screengrab: sancharsaathi.gov.in)

ફોનનો IMEI પણ ચેક કરો: આ જ પોર્ટલ પર ‘Check Genuineness of Your Mobile Handset’ નામની સુવિધા પણ છે. તેના દ્વારા તમે તમારા ફોનનો IMEI નંબર નાખીને ચેક કરી શકો છો કે તમારો મોબાઇલ અસલી છે કે નહીં. આમાં બ્રાન્ડ, મોડલ અને કંપનીની માહિતી પણ મળી જાય છે. (Screengrab: sancharsaathi.gov.in)

Related Posts

Load more