શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન ઘોઘંબા ખાતે શ્રી ઘનશ્યામ મહારાજ સુવર્ણ પ્રતિષ્ઠા તથા હોમાત્મક યજ્ઞ અને અન્નકૂટોત્સવ ઉજવાયો

By: nationgujarat
03 Apr, 2024

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, સ્વામિનારાયણ પાલ્લી શ્રી ઘનશ્યામ મહારાજ સુવર્ણ પ્રતિષ્ઠા તથા નવનિર્માણ મંદિરમાં હોમાત્મક યજ્ઞ, આરસનાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા તથા ભવ્યાતિભવ્ય અન્નકૂટોત્સવ…

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન – શ્રી સ્વામિનારાયણ મંદિર, પલ્લીમાં વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના પ્રેરણાથી શિખરબંધ મંદિર તૈયાર થતાં શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં શ્રી ઘનશ્યામ મહારાજ સુવર્ણ પ્રતિષ્ઠા તથા નવનિર્માણ મહોત્સવ અવસરે સંગેમરમરનાં શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રી અને શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાના મૂર્તિઓ પધરાવ્યા હતા. આ અવસરે હોમાત્મક યજ્ઞ સહિત આરસનાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ષોડશોપચારથી પૂજન, અર્ચન, ધજા આરોહણ, ભવ્યતા અને દિવ્યતાસભર અન્નકૂટ દર્શન, આરતી, પરમ પૂજય આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના આશીર્વાદ વગેરે અધ્યાત્મસભર કાર્યક્રમો યોજાયા હતા.

આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, અક્ષરધામ તુલ્ય ભવ્ય મંદિરનું સર્જન વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે કરી આપ્યું છે. તો આપણાં બાળકો, યુવાનોનું જીવન સુસંસ્કારી, નિયમશીલ બને તે માટે મંદિરનું નિર્માણ કરે છે. સંપ કેળવાય, ભાતૃભાવ કેળવાય, તથા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, માહાત્મ્યસહિત ભક્તિના પાઠો ભણાવવા માટે મંદિરનું નિર્માણ જરૂરી છે. માણસને ખરા અર્થમાં માણસ બનાવવા માટે મંદિર જરૂરી છે. મંદિરોથી સંસ્કાર વધે છે. મંદિરમાં વિશ્વબંધુત્વની ભાવના કેળવાય છે. આપણી ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખી તેનું સદાયને માટે પોષણ કરવા માટે મંદિરની નિર્માણ કરે છે. મંદિરમાં થોડો સમય બેસવાથી પણ ચિત્તમાં ઊન્નત વિચારો આવે છે. દર્દ નિવારણ માટે હોસ્પિટલની જરૂર છે આત્મજ્ઞાન માટે મંદિરની જરૂર છે. યુવાનો દરરોજ સવારે ભગવાનનાં દર્શનનો નિયમ રાખશો તો તમે જે જે કાર્યો કરશોને તેમાં ભગવાન ભેગા ભળશે.

સમગ્ર ગામમાં આનંદ અને ઉત્સાહની અનોખી લહેર પ્રસરી ગઈ હતી. આ દિવ્ય અને ભવ્ય મહોત્સવનાં દિવ્ય દર્શનનો લ્હાવો લઈ સૌ અહોભાવથી છલકાઈ ઉઠ્યા હતા. પૂજનીય સંતોનાં માર્ગદર્શન હેઠળ આબાલવૃદ્ધ હરિભક્તોની અનન્ય સેવાથી આ મહોત્સવ હર્ષોલ્લાસભેર ભક્તિ-ભાવપૂર્વક ઉજવાયો.


Related Posts

Load more