આદિવાસીઓનું મેલું ઉપાડો તો મહિને 50 હજાર આપું,” પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું વિવાદાસ્પદ નિવેદન

By: Nation Gujarat Team
03 Oct, 2026
નર્મદા: પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ પાર્ટીમાં જોડાવવાની અટકળોને લઇને ચર્ચામાં છે. આ સાથે જ તેમનું વિવાદાસ્પદ નિવેદન પણ સામે આવ્યું છે. સાગબારામાં શંકરસિંહ વાઘેલાનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, “અનામત કોઈ મહેરબાની કરીને અપાઈ નથી. વર્ષોના અન્યાયનું પરિણામ અનામત છે. આ સાથે જ પટેલ-વાણિયા-બ્રાહ્મણને પડકાર ફેંક્યો છે.” તેમણે કહ્યું કે, “આદિવાસીઓનું મેલું ઉપાડો તો મહિને 50 હજાર આપું.” બાપુએ આદિવાસીઓ જેવી સ્થિતિમાં રહેવાનો પડકાર ફેંક્યો હતો. સાગબારાની સભામાં શંકરસિંહ વાઘેલાના નિવેદનથી વિવાદ ઉભો થયો છે.
સાગબારા જંગલ જમીન વિવાદ મુદ્દે ખોપી ખાતે યોજાયેલી જાહેરસભામાં ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કરતાં કોંગ્રેસ આગેવાનોએ આક્ષેપ કર્યો હતો. સાથે જ કોંગ્રેસમાં ઓફિશિયલી વાપસી ન થઈ હોવા છતાં દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા બાપુ સ્ટેજ પર કોંગ્રેસ નેતાઓ સાથે ઊભા જોવા મળ્યા હતા અને તેઓએ નિવેદન આપ્યું હતું. શંકરસિંહ વાઘેલાએ આદિવાસીઓને સંબોધતાં જણાવ્યું હતું કે, જંગલ જમીનના સાચા માલિક આદિવાસીઓ છે અને સરકાર તથા વન વિભાગ માત્ર વ્યવસ્થાનો ભાગ છે. તેમણે આંદોલનના માર્ગે સમય વેડફવાને બદલે સરકારને બદલવાની વાત કરી હતી.
શંકરસિંહ વાઘેલા બાપુએ સાગબારા જંગલ-જમીન વિવાદ મુદ્દે સરકાર સામે આક્રમક સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આદિવાસી સમાજને જંગલ અને જમીનના સાચા માલિક ગણાવી “જમીન મારી, જંગલ મારું, પાણી મારું” ના અધિકારની વાત કરી હતી. બાપુએ સ્ટેજ પરથી કહ્યું કે, આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આદિવાસી સમાજને પોતાના હકો માટે નિર્ણય લેવાની અપીલ કરી હતી. તેમણે સરકાર સામે અસંતોષ વ્યક્ત કરતાં કહ્યું કે, “12 મહિના પછી તમારા હાથમાં સત્તાની ચાવી હશે” અને આગામી ચૂંટણીમાં કોઈ દબાણ કે શરમ-સંકોચ વગર નિર્ણય લેવા આહ્વાન કર્યું હતું.
આ જાહેરસભા વિપક્ષ આગેવાનોએ પણ આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, રાજ્યના વન મંત્રી દ્વારા ખેડૂતોને પારણાં કરાવી સનદ આપવાની વાત કરવામાં આવી હતી, પરંતુ તે માત્ર આશ્વાસન પૂરતું જ સાબિત થયું છે. ખેડૂતોનો આક્ષેપ છે કે 25 વર્ષથી જે જમીનો પર તેઓ ખેતી કરી રહ્યા છે, ત્યાં વન વિભાગ પ્લાન્ટેશન કરીને જમીન પર કબજો મેળવવા પ્રયાસ કરી રહ્યું છે. વન કર્મચારીઓ દ્વારા વારંવાર ખેડૂતોને હેરાન કરવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.
આ મામલે કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલે પણ આક્રમક ભાષણ આપતાં જણાવ્યું હતું કે, “અમે તીર-કમઠાં બુઠાં નથી લીધાં.” તેમણે આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી આપતાં કહ્યું કે હવે ખેડૂતો જેલભરો આંદોલન માટે પણ તૈયાર છે. તેમણે ભાજપના નેતાઓની ગેરહાજરી સામે સવાલો ઉઠાવી સરકાર પર નિશાન સાધ્યું હતું. જે બાદ ખેડૂતોના આગેવાનોએ આગામી દિવસોમાં બળદગાડાં સાથે ગાંધીનગર પહોંચીને સરકાર સામે આંદોલન કરવાની જાહેરાત કરી હતી. સાથે જ અત્યાર સુધી ચાલેલા સત્યાગ્રહ છતાં પ્રશ્નનું નિરાકરણ ન આવતાં હવે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

Related Posts

Load more