આજે (10 એપ્રિલ, બુધવાર) IPL 2024માં ટેબલ ટોપર રાજસ્થાન રોયલ્સ અને સાતમા ક્રમાંકિત ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો થશે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં સિઝનની 24મી મેચમાં બંને ટીમો આમને સામને ટકરાશે. આ મેચ બંને ટીમો માટે ઘણી મહત્વની રહેશે. એક તરફ રાજસ્થાન પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવા માંગશે તો બીજીબાજુ ગુજરાત પોતાનો વિજય વધારવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
રાજસ્થાને આ સિઝનમાં 4 મેચ રમી છે અને સંજુ સેમસનની કેપ્ટનશીપ વાળી ટીમે તે તમામમાં જીત મેળવી છે, જેના કારણે તે પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને છે. જ્યારે ગુજરાત ટાઇટન્સે 5 મેચ રમી છે, જેમાં તેને માત્ર બે જ જીત મળી છે. આવી સ્થિતિમાં ગુજરાત આજે જીતની સંખ્યા બદલીને 3 કરવા ઈચ્છશે. પરંતુ તે પહેલા, ચાલો જાણીએ કે અત્યાર સુધી બંને વચ્ચે કઈ ટીમનો દબદબો રહ્યો છે.
રાજસ્થાન વિરૂદ્ધ ગુજરાતનો હેડ ટૂ હેડ રેકોર્ડ
IPLમાં રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે અત્યાર સુધીમાં 5 મેચ રમાઈ છે. આ પાંચ મેચમાં ગુજરાતે લીડ મેળવી છે અને 4માં જીત મેળવી છે, જ્યારે રાજસ્થાન માત્ર એક જ મેચ જીતવામાં સફળ રહ્યું છે. આવી સ્થિતિમાં, આજે એ જોવાનું રસપ્રદ રહેશે કે શું ટેબલ ટોપર ગુજરાતને હરાવવામાં સક્ષમ છે કે પછી ગુજરાત ફરી એકવાર રાજસ્થાન પર પ્રભુત્વ જમાવે છે.
ગત સિઝનમાં રાજસ્થાન અને ગુજરાત વચ્ચે બે ટક્કર થઈ હતી જેમાં બંનેનો 1-1થી વિજય થયો હતો. પ્રથમ મેચમાં ગુજરાતનો 9 વિકેટે વિજય થયો હતો જ્યારે બીજી મેચમાં રાજસ્થાનનો 3 વિકેટે વિજય થયો હતો. પરંતુ તે પહેલા IPL 2022માં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન સામે ત્રણ મેચ રમી હતી અને ત્રણેયમાં ગુજરાતે જીત મેળવી હતી.