RBI લાવી રહ્યું છે ‘Stop Switch’! હવે 1 જ ક્લિકમાં બંધ થઈ જશે તમારા બેંક ખાતાના તમામ પેમેન્ટ

By: Nation Gujarat Team
24 Nov, 2026

RBI New Rules: ઓનલાઈન અને ડિજિટલ છેતરપિંડીના વધતા જતા બનાવો વચ્ચે ભારતીય રિઝર્વ બેંક (RBI) ગ્રાહકોને મોટી સુરક્ષા આપવાની તૈયારી કરી રહી છે. જો કોઈ ગ્રાહકને પોતાના ખાતામાંથી છેતરપિંડી થવાની આશંકા થાય, તો તે માત્ર એક બટન દબાવીને તમામ નવા ડિજિટલ ડેબિટ ટ્રાન્ઝેક્શન બંધ કરી શકશે. RBIએ આ માટે ‘સ્ટોપ સ્વીચ’ (Stop Switch) સુવિધાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ઉપરાંત, મોટી રકમ ટ્રાન્સફર કરવા માટે ગ્રાહકો કોઈ ભરોસાપાત્ર વ્યક્તિની મંજૂરી પણ લઈ શકશે.

શું છે RBIની ‘સ્ટોપ સ્વીચ’ સુવિધા?

RBIના પ્રસ્તાવ મુજબ, બેંકોએ પોતાના ગ્રાહકો માટે ‘સ્ટોપ સ્વીચ’ની સુવિધા આપવી પડશે. તેની મદદથી ગ્રાહકો પોતાના ખાતામાંથી થતા તમામ નવા આઉટગોઈંગ ડિજિટલ પેમેન્ટ તરત જ અટકાવી શકશે. એટલે કે, જો કોઈને લાગે કે તેના બેંક ખાતા કે ડિજિટલ પેમેન્ટની માહિતી ખોટા હાથમાં પહોંચી ગઈ છે, તો અલગ-અલગ સેવાઓ બંધ કરાવવા બેંકના ધક્કા ખાવા પડશે નહીં.

સ્ટોપ સ્વીચ ચાલુ થાય ત્યારે ગ્રાહક કોઈ નવું ડેબિટ ટ્રાન્ઝેક્શન કરી શકશે નહીં. નવા પેમેન્ટ મેન્ડેટ, સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન અને નવી થર્ડ-પાર્ટી એપ પર UPI રજીસ્ટ્રેશન પણ થઈ શકશે નહીં. જોકે, આનાથી ખાતામાં પૈસા આવવા પર કોઈ રોક લાગશે નહીં. અગાઉથી ચાલુ રહેલા ઓટો પેમેન્ટ, EMI, બેંક ચાર્જ અને અન્ય નિયત બેંક કપાત પણ આ સુવિધા હેઠળ આવશે નહીં. આ સુવિધા ફરીથી ચાલુ કરવા માટે બેંક ગ્રાહકની ઓળખની ચકાસણી કરશે અને ત્યારબાદ થોડા સમયનો કૂલિંગ પીરિયડ પણ રાખી શકાય છે.

ગ્રાહકો પોતાની રીતે નક્કી કરી શકશે ડિજિટલ પેમેન્ટની મર્યાદા

RBIએ ગ્રાહકોને ડિજિટલ પેમેન્ટ પર વધુ નિયંત્રણ આપવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. આ હેઠળ ગ્રાહકો એક ટ્રાન્ઝેક્શન, કોઈ ચોક્કસ વ્યક્તિને પેમેન્ટ અને આખા દિવસના કુલ ટ્રાન્ઝેક્શનની મર્યાદા (લિમિટ) જાતે નક્કી કરી શકશે. ગ્રાહકો ઈચ્છે તો તમામ ડિજિટલ પેમેન્ટ ચેનલ માટે એક કુલ દૈનિક મર્યાદા પણ રાખી શકશે. આ ઉપરાંત, અમુક પેમેન્ટ ચેનલને નિશ્ચિત સમય માટે બંધ રાખવાનો વિકલ્પ પણ મળશે.

ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને પ્રીપેડ કાર્ડ પર પણ આ સુવિધાઓ ઉપલબ્ધ થશે. ગ્રાહકો ATM, POS મશીન, ઓનલાઈન અને કોન્ટેક્ટલેસ પેમેન્ટની મર્યાદા નક્કી કરી શકશે તેમજ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝેક્શનને અલગ-અલગ ચાલુ કે બંધ કરી શકશે. બીજી તરફ, નવા ગ્રાહકો માટે ડિજિટલ પેમેન્ટ ચેનલ ડિફોલ્ટ રૂપે બંધ રાખવાનો પ્રસ્તાવ છે. ગ્રાહકની સ્પષ્ટ મંજૂરી અને જરૂરી ખરાઈ બાદ જ તેને ચાલુ કરવામાં આવશે.

મોટી રકમ મોકલતા પહેલા ભરોસાપાત્ર વ્યક્તિની મંજૂરી જરૂરી

RBI એ ‘ટ્રસ્ટેડ પર્સન મિકેનિઝમ’ (TPM)નો પણ પ્રસ્તાવ મૂક્યો છે. આ હેઠળ ગ્રાહકો 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની કોઈ વ્યક્તિને પોતાના ભરોસાપાત્ર વ્યક્તિ તરીકે પસંદ કરી શકશે. કેટલી રકમથી વધુના ટ્રાન્ઝેક્શન પર આ વ્યક્તિની મંજૂરી જરૂરી રહેશે, તે ગ્રાહક જાતે નક્કી કરશે. આવી રકમ ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે ભરોસાપાત્ર વ્યક્તિને સંદેશ મળશે, જેમાં રકમ, લાભાર્થીની વિગતો અને પેમેન્ટની અન્ય માહિતી હશે. તે વ્યક્તિને મંજૂરી આપવા માટે એક કલાકનો સમય મળશે. જો તે ટ્રાન્ઝેક્શન ના પાડે અથવા નક્કી સમયમાં જવાબ ન આપે, તો પેમેન્ટ રદ થઈ જશે.

આ સુવિધા સંપૂર્ણપણે વૈકલ્પિક (ઓપ્શનલ) રહેશે અને તેના માટે ગ્રાહક તથા ભરોસાપાત્ર વ્યક્તિ બંનેની મંજૂરી જરૂરી હશે. તેને ચાલુ કરતા પહેલા 24 કલાકનો કૂલિંગ પીરિયડ પણ રાખવામાં આવશે. જોકે, તે ભરોસાપાત્ર વ્યક્તિને ગ્રાહકના બેંક બેલેન્સ, FD, રોકાણ કે વીમાની માહિતી મળશે નહીં. તે જાતે કોઈ પેમેન્ટ પણ કરી શકશે નહીં અને મંજૂરી આપવા કે ના પાડવા પર ટ્રાન્ઝેક્શનની જવાબદારી પણ તેની રહેશે નહીં. UPI ટ્રાન્ઝેક્શન, મર્ચન્ટ પેમેન્ટ અને અગાઉથી નક્કી ઓટો પેમેન્ટ આ સુવિધામાંથી બહાર રહેશે.

ક્યારથી લાગુ થશે નવા નિયમો અને બેંકની જવાબદારી?

RBIએ આ પ્રસ્તાવો પર સામાન્ય લોકો અને અન્ય સંબંધિત પક્ષો પાસેથી 14 ડિસેમ્બર 2026 સુધી સૂચનો મંગાવ્યા છે. અંતિમ મંજૂરી મળ્યા બાદ આ નિયમો 1 જુલાઈ 2027થી લાગુ થઈ શકે છે અને બેંકો ઈચ્છે તો તેને આના પહેલા પણ લાગુ કરી શકે છે. આ ઉપરાંત, RBIએ બેંકની બેદરકારીની વ્યાખ્યાનો વ્યાપ વધારવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. જેમાં જરૂરી મલ્ટી-ફેક્ટર ઓથેન્ટિકેશન ન કરવું, ટ્રાન્ઝેક્શન એલર્ટ ન મોકલવું, 24 કલાક ફ્રોડની ફરિયાદની સુવિધા ન આપવી અને ફરિયાદ મળ્યા બાદ તરત કાર્યવાહી ન કરવી જેવી બાબતોનો સમાવેશ થશે.

બેંકની સિસ્ટમમાં ખામી, સુરક્ષામાં ભંગ અથવા બેંક કર્મચારીઓ અને બેંક દ્વારા નિયુક્ત થર્ડ પાર્ટીની મિલીભગતથી થતા ફ્રોડ પણ આ દાયરામાં આવશે. આ સૂચિત ફેરફારો 1 જાન્યુઆરી 2027થી લાગુ કરવાની યોજના છે. આ ડ્રાફ્ટ નિયમો કોમર્શિયલ બેંકોની સાથે સ્મોલ ફાઈનાન્સ બેંક, પેમેન્ટ્સ બેંક, રિજનલ રૂરલ બેંક, લોકલ એરિયા બેંક અને કો-ઓપરેટિવ બેંકો પર પણ લાગુ પડશે.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score