બ્રાન્ડેડ પાણીના સેમ્પલમાં પણ નિયમ કરતાં વધુ કેમિકલ મળતાં સવાલો ઊભા થયા, તો લાઇસન્સ વગર ચાલતા લોકલ વોટર પ્લાન્ટ અને ખુલ્લામાં વેચાતી પાણીની બોટલો કેટલી સુરક્ષિત? જાણો નિષ્ણાતો શું કહે છે.
ઉનાળાની ગરમી હોય કે મુસાફરી દરમિયાન તરસ છીપાવવાની વાત, બજારમાં મળતી પાણીની બોટલ લોકો માટે સરળ વિકલ્પ બની ગઈ છે. સામાન્ય રીતે ગ્રાહકો બ્રાન્ડેડ પાણીની બોટલને વધુ સુરક્ષિત માને છે, પરંતુ દેશની જાણીતી પેકેજ્ડ વોટર કંપની બિસલેરીના એક સેમ્પલ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) દ્વારા કાર્યવાહી શરૂ થતાં પેકેજ્ડ પાણીની ગુણવત્તા અંગે ચર્ચા શરૂ થઈ છે. જો જાણીતી કંપનીના પાણીના સેમ્પલ સામે સવાલ ઊભા થઈ શકે, તો બજારમાં ઓછા ભાવે વેચાતી લોકલ અને અજાણી બ્રાન્ડની પાણીની બોટલો કેટલી સુરક્ષિત હશે?
FSSAI દ્વારા બિસલેરીના એક સેમ્પલમાં બ્રોમેટનું પ્રમાણ 12 માઇક્રોગ્રામ પ્રતિ લિટર નોંધવામાં આવ્યું હતું, જ્યારે નિર્ધારિત મર્યાદા 10 માઇક્રોગ્રામ પ્રતિ લિટર છે. કંપની દ્વારા વાંધો ઉઠાવ્યા બાદ રેફરલ લેબોરેટરીમાં ફરી તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં પણ સેમ્પલને ‘અસુરક્ષિત’ ગણાવવામાં આવ્યું હતું, જોકે આ વખતે તેનું કારણ પોલીન્યુક્લિયર એરોમેટિક હાઇડ્રોકાર્બન (PAHs) હોવાનું જણાવાયું હતું.
બીજી તરફ બિસલેરી કંપનીનો દાવો છે કે આ સેમ્પલ સપ્ટેમ્બર 2025માં ગોવાના પ્લાન્ટમાંથી લેવામાં આવ્યો હતો અને કંપનીની પોતાની તપાસમાં પાણી સુરક્ષિત હોવાનું જણાયું છે.
આ સમગ્ર મામલો એક મહત્ત્વનો સવાલ ઊભો કરે છે કે જ્યારે મોટી કંપનીઓના પાણીની ગુણવત્તા સામે પણ પ્રશ્નો ઊભા થઈ શકે છે, ત્યારે કોઈ બ્રાન્ડ, લાઇસન્સ કે ગુણવત્તા તપાસના રેકોર્ડ વગર વેચાતા પાણી પર કેટલો ભરોસો કરી શકાય?
ઘણા ગ્રાહકો પાણીની બોટલ ખરીદતી વખતે BIS અથવા ISI માર્ક જોઈને તેની ગુણવત્તા અંગે વિશ્વાસ રાખે છે. જોકે, નિયમોમાં એક મહત્ત્વનો ફેરફાર થયો છે.
FSSAIની 17 ડિસેમ્બર 2025ની ગેઝેટ નોટિફિકેશન અનુસાર, 1 જાન્યુઆરી 2026થી પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર અને મિનરલ વોટર માટે BIS માર્ક ફરજિયાત રહ્યો નથી. તેના બદલે FSSAI દ્વારા ફરજિયાત ટેસ્ટિંગ ફ્રેમવર્ક લાગુ કરવામાં આવ્યું છે. આ બંને કેટેગરીને હાઈ રિસ્ક ફૂડ તરીકે પણ વર્ગીકૃત કરવામાં આવી છે.
નવા માળખા હેઠળ તપાસ અને થર્ડ પાર્ટી ઓડિટની જોગવાઈઓ કરવામાં આવી છે. જોકે, સૌથી મોટી સમસ્યા એવા ગેરકાયદે પ્લાન્ટની છે, જ્યાં કોઈ લાઇસન્સ, પ્રમાણપત્ર કે ગુણવત્તા તપાસની વ્યવસ્થા જ નથી.
7 એપ્રિલ 2026ના રોજ હૈદરાબાદના અંબરપેટ વિસ્તારમાં બાપુનગરના ત્રણ ગેરકાયદે વોટર પ્લાન્ટ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અનેક ગંભીર ખામીઓ સામે આવી હતી.
આ પ્લાન્ટ પાસે FSSAIનું લાઇસન્સ કે BIS સર્ટિફિકેટ નહોતું. RO મશીનોની જાળવણી પણ અત્યંત ખરાબ સ્થિતિમાં હતી. પ્લાન્ટ ગટરવાળા વિસ્તારની નજીક ચાલતો હતો. એટલું જ નહીં, નકલી હોલોગ્રામ અને લેબલનો ઉપયોગ કરીને સામાન્ય બોરવેલના પાણીને BIS સર્ટિફાઇડ મિનરલ વોટર તરીકે વેચવામાં આવતું હોવાનો મામલો સામે આવ્યો હતો.
અહેવાલમાં જણાવ્યા અનુસાર, એક નિયમિત વોટર પ્લાન્ટ સ્થાપવા માટે અંદાજે ₹50 લાખનો ખર્ચ થઈ શકે છે, જ્યારે ગેરકાયદે પ્લાન્ટ માત્ર ₹2 લાખમાં શરૂ કરી શકાય છે. લાઇસન્સ, ગુણવત્તા તપાસ અને યોગ્ય સાધનો પાછળ ખર્ચ ન કરવાને કારણે આવા પ્લાન્ટ ઓછા ખર્ચે પાણી વેચી શકે છે.
નવેમ્બર 2026માં પંજાબમાં થયેલી કાર્યવાહીમાં પણ લાઇસન્સ અને BIS સર્ટિફિકેટ વગર ચાલતા પ્લાન્ટમાંથી પેક કરેલા પાણીની 265 ક્રેટ જપ્ત કરવામાં આવી હતી.
પાણીની શુદ્ધતા જેટલી મહત્ત્વની છે, એટલી જ મહત્ત્વની તેની બોટલની ગુણવત્તા અને સંગ્રહ કરવાની પદ્ધતિ છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, હલકી ગુણવત્તાની PET પ્લાસ્ટિકની બોટલો ગરમી, સૂર્યપ્રકાશ અને લાંબા સમય સુધી સંગ્રહના કારણે જોખમ ઊભું કરી શકે છે.
પર્યાવરણીય અભ્યાસમાં પ્રકાશિત એક સંશોધનમાં ચીનની 16 બ્રાન્ડની PET બોટલોની અલગ-અલગ તાપમાને તપાસ કરવામાં આવી હતી. અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એક અઠવાડિયા દરમિયાન એન્ટિમનીનું લીકેજ 1.88થી 8.32 નેનોગ્રામ પ્રતિ લિટર હતું. જ્યારે 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આ પ્રમાણ વધીને 20.3થી 2604 નેનોગ્રામ પ્રતિ લિટર સુધી પહોંચ્યું હતું.
સંશોધનમાં BPAના લીકેજમાં પણ તાપમાન વધવાની સાથે વધારો જોવા મળ્યો હતો. એન્ટિમનીના સંપર્કને માથાનો દુખાવો, ચક્કર, ઊબકા, ઊલટી અને પેટના દુખાવા જેવા લક્ષણો સાથે જોડવામાં આવ્યો છે. જ્યારે લાંબા ગાળાના સંપર્ક અંગે પણ આરોગ્ય સંબંધિત ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
મહત્ત્વની વાત એ છે કે બ્રાન્ડેડ પાણી પણ PET બોટલમાં જ વેચાય છે. તેથી ગરમીમાં બોટલના અયોગ્ય સંગ્રહથી બ્રાન્ડેડ પાણીમાં પણ જોખમ ઊભું થઈ શકે છે. જોકે, નિયમિત કંપનીઓ પાસે સંગ્રહ અને ગુણવત્તા નિયંત્રણની વ્યવસ્થા હોય છે, જ્યારે ગેરકાયદે પ્લાન્ટમાં આવી વ્યવસ્થા હોવાની કોઈ ખાતરી નથી.
પાણીની બોટલ સાથે જોડાયેલો બીજો ગંભીર મુદ્દો માઇક્રોપ્લાસ્ટિક અને નેનોપ્લાસ્ટિકનો છે. વર્ષ 2026માં જર્નલ ઓફ હ્યુમન એન્વાયર્નમેન્ટ એન્ડ હેલ્થ પ્રમોશનમાં પ્રકાશિત થયેલા એક સિસ્ટમેટિક રિવ્યૂ અને મેટા-એનાલિસિસમાં બોટલના પાણી અને નળના પાણીમાં માઇક્રોપ્લાસ્ટિકના પ્રમાણ અંગે આંકડા રજૂ કરવામાં આવ્યા હતા.
સંશોધન અનુસાર, બોટલના પાણીમાં સરેરાશ 325 કણ પ્રતિ લિટર માઇક્રોપ્લાસ્ટિક નોંધાયું હતું, જ્યારે નળના પાણીમાં આ પ્રમાણ 4.2 કણ પ્રતિ લિટર હતું.
સંશોધકોએ જોખમનું મૂલ્યાંકન કરતાં બોટલનું પાણી પીતા પુખ્ત વયના લોકો અને બાળકો માટે માર्जિન ઓફ એક્સપોઝર (MoE)નું પ્રમાણ ચિંતાજનક મર્યાદાથી નીચે હોવાનું નોંધ્યું હતું. આ સંશોધન દર્શાવે છે કે પાણીની ગુણવત્તા ઉપરાંત તેના પેકેજિંગ પર પણ ધ્યાન આપવાની જરૂર છે.
પર્યાવરણવિદ ડૉ. સુભાષ સી. પાંડેના જણાવ્યા અનુસાર, લોકલ કે નકલી પાણી બ્રાન્ડેડ પાણી કરતાં કેટલું ગણું વધુ જોખમી છે તેનો ચોક્કસ આંકડો આપી શકાય નહીં. કારણ કે દરેક ગેરકાયદે પ્લાન્ટની સ્થિતિ અલગ હોઈ શકે છે.
કેટલાક સ્થળોએ માત્ર બોરવેલનું પાણી યોગ્ય ફિલ્ટરેશન વગર વેચવામાં આવે છે, જ્યારે કેટલાક કિસ્સામાં ગટર અથવા ગંદકીવાળા વિસ્તારની નજીકથી પાણી મેળવવામાં આવે છે.
બ્રાન્ડેડ કંપનીઓમાં પાણીની તપાસ, બેચ ટ્રેસેબિલિટી અને ખામી જણાય તો માલ પરત ખેંચવાની વ્યવસ્થા હોય છે. જ્યારે ગેરકાયદે પ્લાન્ટમાં પાણી ક્યાંથી આવ્યું, તેની શુદ્ધતા કેવી રીતે તપાસવામાં આવી અને બોટલમાં કઈ ગુણવત્તાનું પ્લાસ્ટિક વપરાયું તેની કોઈ વિશ્વસનીય માહિતી મળતી નથી.
ખાસ કરીને રસ્તા પર ખુલ્લામાં તડકામાં રાખેલી અને સામાન્ય કરતાં ઘણી સસ્તી કિંમતે મળતી અજાણી બ્રાન્ડની પાણીની બોટલ ખરીદતી વખતે ગ્રાહકોએ સાવચેતી રાખવી જરૂરી છે.
બિસલેરીના સેમ્પલ સામે ઊભા થયેલા સવાલો માત્ર એક કંપની પૂરતા મર્યાદિત નથી. આ સમગ્ર પેકેજ્ડ વોટર ઉદ્યોગમાં ગુણવત્તા નિયંત્રણ અને ગ્રાહકોની સુરક્ષા કેટલી મહત્ત્વપૂર્ણ છે તે દર્શાવે છે. એક તરફ જાણીતી કંપનીઓના પાણીની તપાસ થઈ રહી છે, તો બીજી તરફ ગેરકાયદે પ્લાન્ટ દ્વારા વેચાતા પાણી પર અસરકારક દેખરેખ રાખવી પણ એટલી જ જરૂરી છે.
ગ્રાહકો માટે સૌથી મહત્ત્વની વાત એ છે કે પાણીની બોટલ સસ્તી છે કે મોંઘી તેનાથી વધુ જરૂરી છે કે તે સુરક્ષિત છે કે નહીં. કારણ કે પાણી જીવન માટે અનિવાર્ય છે, પરંતુ અશુદ્ધ પાણી અને હલકી ગુણવત્તાના પેકેજિંગના કારણે સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થઈ શકે છે.