અમદાવાદ-શાસક પક્ષના નેતા તરીકે ભાઈપુરા વોર્ડના કોર્પોરેટર ગૌરાંગ પ્રજાપતિની વરણી

By: nationgujarat
11 Sep, 2023

અમદાવાદ અને વડોદરાને આજે નવાં મહિલા મેયર મળ્યાં છે. અમદાવાદના મેયર તરીકે પ્રતિભા જૈનની અને વડોદરાનાં મહિલા મેયર તરીકે પિન્કીબેન સોનીની વરણી કરવામાં આવી છે.

છેલ્લા ઘણા સમયથી મનપાના નવા પદાધિકારીઓની નિમણૂકને લઇને અનેક તર્કવિતર્ક ચાલતા હતા. ત્યારે હવે તેનો અંત આવ્યો છે. મેયર પદ સામાન્ય વર્ગની મહિલા માટે અનામત હોવાથી મહિલા મેયરની નિમણૂક કરવામાં આવી છે. આજે સવારે 10 વાગ્યે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં મેયર તરીકે પ્રતિભા જૈન અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે દેવાંગ દાણી પર મહોર લગાવવામાં આવી છે.

પ્રતિભા જૈન શાહીબાગ વોર્ડના કોર્પોરેટર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના સત્તાધીશોની અઢી વર્ષની ટર્મ પૂરી થતાં આજે મેયર તરીકે શાહીબાગ વોર્ડના પ્રતિભા જૈનની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે ઘાટલોડિયા વોર્ડના કોર્પોરેટર જતીન પટેલને જાહેર કરવામાં આવ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે શાસક પક્ષના નેતા તરીકે ભાઈપુરા વોર્ડના કોર્પોરેટર ગૌરાંગ પ્રજાપતિને મૂકવામાં આવ્યા છે.

વડોદરામાં પણ પદાધિકારીઓ નિમાયા
વડોદરા મહાનગર સેવા સદનના મેયર, ડે.મેયર અને સ્થાયી સમિતીના ચેરમેનની અઢી વર્ષની ટર્મ તા. 9 સપ્ટેમ્બરે પૂરી થઈ છે. ત્યારે આજે મેયર કરીકે પિન્કીબેન સોનીના નામની જાહેરાત થઈ ચૂકી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ બારોટની નિમણૂક કરવામાં અવી છે. સ્ટેન્ડિંગ કમિટીના નવા ચેરમેન પદે ડો. શિતલ મિસ્ત્રીની પસંદગી કરવામાં આવી છે. તો બીજી તરફ શાસક પક્ષના નવા નેતા મનોજ પટેલ બન્યાં છે.

વડોદરામાં કયા નામો ચર્ચામાં હતા?
મેયરની રેષમાં ડેપ્યુટી મેયર નંદાબહેન જોષી, સ્નેહલબહેન પટેલ, સંગીતાબહેન ચોકસી તેમજ પૂર્વ મેયર અને એક ધારાસભ્યના અંગત મનાતા હેમીશા ઠક્કરના નામો ચર્યાઇ રહ્યા હતા. જ્યારે ડેપ્યુટી મેયરની રેષમાં શૈલેષ પાટીલ, ઘનશ્યામ પટેલ, ડો. રાજેશ શાહ અને મહાવિર રાજપુરોહીતના નામો ચર્ચાઇ રહ્યા હતા. કોર્પોરેશનની મલાઇદાર ગણાતી સ્થાયી સમિતીના ચેરમેન માટે મનોજ પટેલ (મચ્છો), ચિરાગ બારોટ, એક ધારાસભ્ય દ્વારા પ્રયત્નો કરી રહેલા અજીત દધીચ અને ડો. શિતલ મિસ્ત્રીના નામો ચર્યાઇ રહ્યા હતા.

ઈતિહાસમાં સૌ પ્રથમવાર સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે
રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને જિલ્લાઓમાં ભાજપના સત્તાધીશોની ટર્મ પૂરી થતાં નવા પદાધિકારીઓની નિમણૂક માટે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે નો રિપીટ થિયરી લાગુ કરવામાં આવશે. જેથી પાંચેય પદાધિકારીઓ નવા જ મૂકવામાં આવશે. એક પણ પદાધિકારી ફરીથી રિપીટ થશે નહીં. નવા પદાધિકારીઓની નિમણૂક માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં સૌ પ્રથમવાર સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રદેશના નેતાઓ ધારાસભ્યો શહેર સંગઠનના નેતાઓ અને કોર્પોરેટરોને પદાધિકારીઓનાં નામના સજેશન પૂછવામાં આવ્યાં હતાં. તમામ નામોની ચર્ચા બાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં નામની ચર્ચા કરી આજે સવારે નામની જાહેરાત કરવામાં આવી હતી.


Related Posts

Load more