સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં બદલાયેલા હવામાન અને દરિયામાં સર્જાયેલી ઉથલપાથલના પગલે પોરબંદર બંદર પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ (Local Cautionary Signal No. 3) લગાવી દેવામાં આવ્યું છે. પોરબંદરમાં સતત વાદળછાયા વાતાવરણ વચ્ચે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. પવનની ગતિ ઝડપી થતાં દરિયામાં ઉંચા-ઉંચા રાક્ષસી મોજાં ઉછળી રહ્યા છે, જેના કારણે બંદર અને આસપાસનો કાંઠાળ વિસ્તાર જોખમી બન્યો છે.
દરિયામાં સર્જાયેલા ભારે કરંટ અને ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને બંદર તંત્ર દ્વારા માછીમારોને દરિયામાં ન જવા માટે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે. જે માછીમારો દરિયામાં છે તેમને તાત્કાલિક સુરક્ષિત બંદરે પરત ફરી જવા જણાવવામાં આવ્યું છે. હવામાન સામાન્ય ન થાય ત્યાં સુધી માછીમારોને પોતાની ફિશિંગ બોટો કિનારે જ લાંગરી રાખવા અને તમામ જરૂરી સાવચેતી વર્તવા માછીમાર બોટ એસોસિએશન તેમજ કોસ્ટ ગાર્ડ દ્વારા સૂચિત કરવામાં આવ્યા છે.
પરિસ્થિતિની ગંભીરતાને જોતાં સ્થાનિક પ્રશાસન દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક કરી દેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા નાગરિકો અને પ્રવાસીઓને દરિયાકિનારાથી દૂર રહેવા ખાસ અપીલ કરવામાં આવી છે. ચોપાટી તેમજ કાંઠાના જોખમી વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત તૈનાત કરીને લોકોને દરિયાની નજીક જતાં અટકાવવામાં આવી રહ્યા છે. સ્થાનિક લોકોને તંત્ર દ્વારા સમયાંતરે આપવામાં આવતી સત્તાવાર સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા જણાવાયું છે.