જન્મદિવસ પહેલા PM મોદી ગુજરાતના પ્રવાસે આવશે! વડાપ્રધાનની મુલાકાતથી નવસારીના રાજકારણ હલચલ

By: Nation Gujarat Team
29 Aug, 2026
નવસારી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે પોતાના જન્મદિન એટલે કે 17 સપ્ટેમ્બરે પોતાના વતન ગુજરાતની મુલાકાતે તો આવતા જ હોય છે, પણ આ વખતે તેના દસેક દિવસ પહેલા પણ તેઓ ગુજરાત પ્રવાસે આવવાના છે, ત્યારે PM મોદીની આ ગુજરાત મુલાકાત ખાસ કરીને નવસારી જિલ્લાના રાજકીય ઇતિહાસમાં મહત્વનો બની શકે છે. કારણ કે વડાપ્રધાન મોદી આગામી ગુજરાત પ્રવાસ દરમિયાન 8 સપ્ટેમ્બરે નવસારીમાં જિલ્લા ભાજપના નવનિર્મિત ભવ્ય ‘કમલમ’ કાર્યાલયનું લોકાર્પણ કરવાના હોવાની વિગતો સામે આવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 8મી સપ્ટેમ્બર વતન ગુજરાત આવવાના છે, ત્યારે આ મુલાકાત દરમિયાન તેઓ પક્ષના કાર્યકરો સાથે પણ સંવાદ કરે તેવી શક્યતા દર્શાવાઈ રહી છે. ખાસ કરીને પાયાના સ્તરે કામ કરતા કાર્યકરો સાથે મુલાકાત દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા, સેવાભાવ સાથે કામગીરી કરવા અને આગામી સમયમાં પક્ષની કામગીરીને નવી દિશા આપવા અંગે માર્ગદર્શન આપવામાં આવે તેવી શક્યતા છે.
આ ઉપરાંત વડાપ્રધાન સમાજના વિવિધ ક્ષેત્રના બૌદ્ધિકો અને નિષ્ણાતો સાથે સંવાદ પણ કરે તેવી માહિતી છે. વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત લોકો સાથે વિચારોનું આદાન-પ્રદાન કરીને સ્થાનિક મુદ્દાઓ સહિતના મહત્વના વિષયો પર ચર્ચા કરવામાં આવી શકે છે. જોકે, આ કાર્યક્રમોની અંતિમ વિગતો અંગે સત્તાવાર કાર્યક્રમ જાહેર થયા બાદ વધુ સ્પષ્ટતા થશે. જેથી વડાપ્રધાનની મુલાકાતને પગલે સ્થાનિક કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
વડાપ્રધાન મોદી 8મી સપ્ટેમ્બરે નવસારી જિલ્લા ભાજપના કાર્યાલયનું લોકાર્પણ કરવા આવનાર હોવાથી ભાજપ સંગઠનમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. નવનિર્મિત કમલમ કાર્યાલય આગામી દિવસોમાં નવસારી જિલ્લા ભાજપની વિવિધ સંગઠનાત્મક પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર બનશે. અહીં પક્ષની મહત્વની બેઠકો, સંગઠનની કામગીરી અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. વડાપ્રધાનના આગમનને લઈને ભાજપ સંગઠન દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને કાર્યાલયના લોકાર્પણ કાર્યક્રમને ભવ્ય બનાવવાની કવાયત હાથ ધરાઈ છે.
વડાપ્રધાનનો નવસારી પ્રવાસ રાજકીય રીતે પણ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. કમલમ કાર્યાલયના લોકાર્પણ ઉપરાંત ભાજપના અગ્રણી નેતાઓ સાથે બેઠક યોજાઈ શકે છે, જેમાં સંગઠનલક્ષી બાબતો અને આગામી રણનીતિ અંગે ચર્ચા થવાની શક્યતા છે. વડાપ્રધાનના આગમનને લઈને જિલ્લા ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હવે 8 સપ્ટેમ્બરે યોજાનારા કાર્યક્રમ પર સૌની નજર રહેશે.

Related Posts

Load more