India-Israel Relations: ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગાઝામાં યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિ અંગે નિર્ણય લેવા માટે બોલાવેલી એક મહત્ત્વપૂર્ણ સુરક્ષા મંત્રીમંડળની બેઠકને અચાનક અટકાવી દીધી હતી. તેનું કારણ હતું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આવેલો ફોન. નેતન્યાહૂએ મંત્રીઓ અને અધિકારીઓને રાહ જોતા મૂકીને વડાપ્રધાન મોદી સાથે લગભગ દસ મિનિટ સુધી સીધી વાત કરી હતી.
શાંતિ યોજના પર ભારતે આપ્યું સમર્થન
અહેવાલો અનુસાર, ઈઝરાયલના વડાપ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘ગાઝામાં યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિ અંગે ચર્ચા દરમિયાન વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને વડાપ્રધાન મોદીનો ફોન આવ્યો હતો.’ વડાપ્રધાન મોદીએ આ કરાર માટે અભિનંદન આપ્યા હતા અને સ્પષ્ટ કર્યું હતું કે ભારત આ માનવતાવાદી પ્રયાસને સમર્થન આપે છેવાતચીત બાદ તરત જ વડાપ્રધાન મોદીએ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું, ‘મેં મારા મિત્ર વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને ફોન કર્યો અને ગાઝા શાંતિ યોજનામાં થયેલી પ્રગતિ બદલ અભિનંદન આપ્યા. અમે બંધકોની મુક્તિ અને ગાઝાના લોકોને આપવામાં આવતી માનવતાવાદી સહાયનું સ્વાગત કર્યું.’ તેમણે ફરી એકવાર પુનરાવર્તન કર્યું કે, “કોઈપણ સ્વરૂપમાં અને ગમે ત્યાં આતંકવાદ અસ્વીકાર્ય છે.’
સોમવાર સુધીમાં બંધકો મુક્ત થશે
આ દરમિયાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ કેબિનેટની બેઠકમાં મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ‘ગાઝામાં હમાસ દ્વારા રાખવામાં આવેલા બંધકોને સોમવાર અથવા મંગળવારે મુક્ત કરવામાં આવશે.’ તેમણે ઉમેર્યું કે બંધકોની મુક્તિ અને ગાઝાના પુનર્નિર્માણના પ્રથમ તબક્કા માટે બુધવારે એક કરાર થયો છે. 72 કલાકના યુદ્ધવિરામ પછી હમાસ બાકીના 20 બંધકોને એક જ સમયે મુક્ત કરશે.
ગાઝા ડીલ અને ઈઝરાયલમાં મતભેદો
ઈઝરાયલ અને હમાસ વચ્ચે મહિનાઓથી ચાલી રહેલા સંઘર્ષમાં આ યુદ્ધવિરામ કરારને અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, જેમાં તમામ બંધકોને મુક્ત કરવા અને માનવતાવાદી સહાય વધારવાની જોગવાઈ છે. જોકે, આ કરાર અંગે ઈઝરાયલમાં મિશ્ર પ્રતિભાવ જોવા મળી રહ્યો છે. કેટલાક નેતાઓ તેને આતંકવાદ સમક્ષ શરણાગતિ માને છે, જ્યારે અન્ય લોકો તેને હાલના સંજોગોમાં જરૂરી રાહત ગણાવી રહ્યા છે.