હવે આ બંનેના નેતાઓના હળવાશના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે, ગઈકાલે હું સચિવાલયમાં મારા વિસ્તારની રજૂઆત કરીને સ્વર્ણિમ સંકુલ એક ખાતે ઉભો હતો. તે સમયે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ પ્રથમ વખત મુખ્યમંત્રીને મળીને નીચે આવતા હતા. તે વેળાએ મેં એમને બોલાવ્યા અને કહ્યું કે, તમારે તો ફક્ત એક જ બેઠક આવી છે. તમે હવે જાહેરસભાની અંદર લાફા વાળી કરો છો. આવું ન કરાય આપણે તો પ્રજાના સેવક છીએ. ક્યારેક પ્રજા હાર પણ પહેરાવે અને ક્યારેક પ્રજા આપણને ખરું ખોટું પણ સંભળાવે. અમારી તો ત્રીસ વર્ષથી સરકાર છે, નેતા તરીકે આંદોલન સમયે મારી ઓફિસ પર તોડફોડ કરી હતી. જો કે હજુ એમને એક સીટ આવી છે ને છતાં તેમના પોતે અભિમાન દેખાઈ રહ્યું છે. બસ આ પ્રકારની વાત થઈ હોવાનું ખુલાસો કાંતિ અમૃતિયા કરી રહ્યા છે.
અગાઉ કાંતિ અમૃતિયાએ રાજીનામું આપીને મોરબી લડવા અંગે કરેલી ચેલેન્જ અંગે કહ્યું કે, આજે હું મેં કરેલી મોરબી ચૂંટણી લડવા માટેની ચેલેન્જથી વાકેફ છું અને મારો સ્ટેન્ડ ક્લિયર છે. જો એ રાજીનામું આપવા આવશે અને મોરબીથી લડવા માંગશે તો મારી ચેલેન્જ આજે પણ સ્વીકારેલી છે. જ્યારે સમય આવશે તો રાજીનામું આપવા માટે પણ હું ખચકાટ અનુભવીશ નહીં. વિધાનસભામાં પણ જો રજૂઆત કરશે ત્યારે પણ સ્ટેન્ડ અંગે ક્લિયર રહીશું.
આમ, બંને ગઈકાલે મળ્યા હતા અને આ પ્રકારની વાર્તાલાપ કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે થઈ છે. પરંતુ હાલ તો સોશિયલ મીડિયામાં બન્નેના હળવાશની પળો માણતાના વાયરલ ફોટા ધૂમ મચાવી રહ્યા છે. નાગરિકો પણ સોશિયલ મીડિયામાં વાયરલ ફોટોને લઈને ભાઈ ભાઈ લખીને બન્ને નેતાઓને ચેલેન્જ યાદ અપાવી રહ્યા છે.