પાટણ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકાર ફેંકીને અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી છે. શહેરના રહેણાંક વિસ્તાર એવા રોટલીયા હનુમાન રોડ પર આવેલા શ્રેય મોલ બહાર ધોળા દિવસે 6 રાઉન્ડ ફાયરિંગ થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર અને ફફડાટ મચી ગયો છે. મોલ સ્થિત જીમની બહાર ઉભેલા વ્યક્તિ પર એક બુકાનીધારી શખ્સે ગોળીબાર કર્યો હતો અને ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયો હતો.
પાટણ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ
પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, શ્રેય મોલના જીમ બહાર ઉભેલા વ્યક્તિ પર બુકાનીધારી હુમલાખોરે ઉપરાછાપરી 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગ જિલિયા કાંડના આરોપી દલપૂજી ઠાકોર પર કરવામાં આવ્યું હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ધોળા દિવસે રહેણાંક વિસ્તારમાં ગોળીબારનો અવાજ સંભળાતા જ આસપાસના લોકોમાં ભારે નાસભાગ અને ભયનો માહોલ સર્જાયો હતો.
ફાયરિંગ કોણે અને કયા કારણોસર કર્યું તે દિશામાં તપાસ તેજ
ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યા બાદ બુકાનીધારી આરોપી સ્થળ પરથી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. બનાવની જાણ થતાં જ પાટણ જિલ્લા પોલીસનો મોટો કાફલો, LCB, SOG અને FSLની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે ગોઠવાઈ ગઈ હતી. FSLની ટીમ દ્વારા ઘટનાસ્થળેથી ફાયરિંગના પુરાવા અને ખાલી કારતૂસ એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યારે પોલીસની અલગ-અલગ ટીમોએ સીસીટીવી ફૂટેજના આધારે ફરાર બુકાનીધારી હુમલાખોરને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.