ગુજરાતમાં વધતી મોંઘવારી અને ફુગાવાના મુદ્દે કોંગ્રેસે ભાજપ સરકાર સામે મોરચો ખોલ્યો છે. અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી કેન્દ્ર અને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપે 2014માં મોંઘવારી ઘટાડવાના વાયદા સાથે સત્તા મેળવી હતી, પરંતુ 12 વર્ષ બાદ પણ મોંઘવારી ઘટવાને બદલે સતત વધી રહી છે.
અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, એક તરફ સરકાર ઉત્સવો અને રાજકીય કાર્યક્રમોમાં વ્યસ્ત છે, તો બીજી તરફ સામાન્ય જનતાના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે. ગેસ સિલિન્ડર, ખાદ્યતેલ, દૂધ, છાશ, પેટ્રોલ, ડીઝલ અને CNG સહિતની જીવનજરૂરી વસ્તુઓના ભાવમાં વધારો થતાં સામાન્ય પરિવારનું બજેટ ખોરવાયું છે.
તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે દિવાળીના તહેવારો પૂર્ણ થતાં જ ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. UPA સરકારના સમયમાં ગેસ અને તેલના ભાવને લઈને ભાજપ વિરોધ પ્રદર્શનો કરતું હતું, પરંતુ આજે મોંઘવારી સામે સરકાર મૌન છે. તેલના ભાવમાં વધારો એટલો છે કે હવે તેલમાં નહીં પરંતુ પાણીમાં પૂરી તળવાની સ્થિતિ સર્જાઈ છે.
કોંગ્રેસ પ્રમુખે ફુગાવાના આંકડા રજૂ કરીને સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક મહિનામાં મોંઘવારીના દરમાં નોંધપાત્ર વધારો થયો છે. અદાણી બાદ ગુજરાત એનર્જી દ્વારા પણ CNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો.