રાજકોટ, તા.29
દિવાળી પૂર્વે જ એસટી નિગમમાં દિવાળી દેખાવા લાગી છે અને પોતાના વતન તરફ જવા માંગતા લોકો અને વિવિધ સ્થળે ફરવા જવા માંગતા મુસાફરોએ એડવાન્સ અને ઓનલાઈન બુકીંગ માટે ભારે ધસારો શરૂ કરી દીધાનું એસટી વિભાગનાં સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ દિવાળીને હજુ એક સપ્તાહ બાકી છે. તે પૂર્વે જ 1.50 લાખથી વધુ ટિકીટોનું એડવાન્સ અને ઓનલાઈન બુકીંગ થઈ ગયું છે. ખાસ કરીને રાજયનાં જુદા જુદા જિલ્લાઓમાં શ્રમિક તરીકે કામ કરતા પંચમહાલ જિલ્લાના લોકોનું સૌથી વધુ એડવાન્સ બુકીંગ થયું છે. આ ઉપરાંત સુરતમાં કામ ધંધો કરતા સૌરાષ્ટ્રનાં લોકો પણ વતન તરફ આવવા માટે મોટી માત્રામાં એડવાન્સ બુકીંગ કરાવી રહ્યા છે અને હજુ પણ આ ધસારો વધશે.
તેમજ અત્યારે અમદાવાદ, વડોદરા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે પણ બુકીંગમાં ભારે ધસારો છે. રાજકોટથી જ ઉપરોકત રૂટો માટે દિવાળીના દિવસ સુધીનાં બુકીંગ અત્યારથી જ થઈ ગયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે એસ.ટી નિગમ એ રાજ્યમાં વિવિધ વાર-તહેવાર તથા ધાર્મિક મેળાઓમાં વધારાની.બસ સર્વિસોનું સંચાલન કરી રાજ્યની જનતાને પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવવા પરિવહન સેવા પુરી પાડે છે.
આગામી દિવાળીના તહેવારો દરમિયાન નિગમના સુરત ઉપરાંત અન્ય તમામ વિભાગો દ્વારા દર વર્ષની જેમ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવનાર છે. રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશ અને તેમાં પણ ખાસ કરીને ભાવનગર, અમરેલી, જુનાગઢ અને રાજકોટ જિલ્લાઓ ના રત્નકલાકારો સુરતમાં નોકરી/વ્યવસાય અર્થે સ્થાયી થયેલ છે, કે જેઓ દિવાળીના તહેવારમાં માદરે વતન તરફ પ્રવાસ કરે છે.
જે મોટી સંખ્યામાં પ્રવાસ કરતા સૌરાષ્ટ્ર વાસીઓ તથા રાજ્યની અન્ય જનતા માટે સુરતથી ખાસ એક્સ્ટ્રા બસોનું આયોજન હાથ ધરાયુ છે. નિગમના ધ્વારા તા-04/11/ થી તા-07/11/ સુધીના દિવાળીના તહેવારો દરમ્યાન સૌરાષ્ટ્ર તરફના રત્નકલાકારો, પંચમહાલ તરફના મુસાફરો, ઉત્તર ગુજરાતના મુસાફરો માટે મુખ્યત્વે સુરત ખાતેથી તેમજ નિગમના અન્ય વિભાગો ધ્વારા પણ સદર સમયગાળા દરમ્યાન રેગ્યુલર બસ સર્વિસો ઉપરાંત વધારાની કુલ 4000 જેટલી બસોના એક્સ્ટ્રા સંચાલનની વ્યવસ્થા કરેલ છે.
જેના થકી 8000 થી વધુ એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરી સૌરાષ્ટ્ર તેમજ અમદાવાદ રાજકોટ વડોદરા મહેસાણા પાટણ પાલનપુર તરફના મુસાફરોને ગંતવ્ય સ્થાને પહોચાડવાનું આયોજન છે.
આ સમયગાળા દરમ્યાન નિગમ દ્વારા કરવામાં આવનાર એક્સ્ટ્રા સંચાલન અન્વયેની સર્વીસોનું નિગમની વિભાગીય કચેરીના ડેપો ખાતેથી તથા નિગમની વેબસાઈટ www.gsrtc.in ઉપરથી તમામ મુસાફરો એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકિંગનો લાભ મેળવી શકશે