સાળંગપુર: શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ભવ્ય શણગાર-અન્નકૂટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પ.પૂ. શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી તા. ૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ના શનિવારે દાદાને અનોખો અને આકર્ષક દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને મયૂરાકાર સિલ્વર ડાયમંડ મુકુટ, ગળામાં સુંદર હાર તેમજ સોનાના મણકાવાળા આભૂષણોથી શણગારવામાં આવ્યા હતા. શ્રીરામના પરમ ભક્ત એવા દાદાને ‘રામ નામ’ અંકિત પીળા, વાદળી અને લાલ રંગની કિનારીવાળા સુંદર દિવ્ય વાઘા ધારણ કરાવવામાં આવ્યા હતા.
દાદાના ગર્ભગૃહ અને સિંહાસનને સફેદ ફૂલોથી ભવ્ય રીતે સજાવવામાં આવ્યા હતા. તેમજ બંને બાજુ ફૂલો અને હરિયાળીમાંથી તૈયાર કરવામાં આવેલી બે વિશાળ મોરની પ્રતિકૃતિઓ મૂકવામાં આવી હતી, જેણે સમગ્ર શણગારની શોભામાં વિશેષ વધારો કર્યો હતો.
શ્રી કષ્ટભંજનદેવ દાદાના દરબારમાં ૧૦૦૮ પ્રકારની મીઠાઈઓ અને વિવિધ વાનગીઓનો ભવ્ય મહાઅન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. જેમાં વિવિધ પ્રકારની મીઠાઈઓ, ફરસાણ, બેકરી આઇટમ્સ, વિવિધ પ્રકારના શાક તેમજ ઇટાલિયન વાનગીઓ સહિત ૧૦૦૮ અવનવી વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી, જ્યારે સવારે ૭:૦૦ કલાકે શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ બપોરે ૧૧:૧૫ કલાકે મહાઅન્નકૂટ આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી.
મહાઅન્નકૂટના દર્શન અને મહાપ્રસાદનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો સાળંગપુરધામ ખાતે ઉમટી પડ્યા હતા. ભક્તોએ દાદાના દિવ્ય શણગાર અને અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સાળંગપુરધામ ખાતે વિવિધ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દર શનિવારે દિવ્ય અન્નકૂટ દર્શન, દર મંગળવારે સંગીતમય સુંદરકાંડ પાઠ, સમગ્ર શ્રાવણ માસ દરમિયાન દૈનિક મારુતિ યજ્ઞ, દર રવિવારે સાંજે ૫ વાગ્યે દાદાનું દિવ્ય રાજોપચાર પૂજન સાથે મહાસંધ્યા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત દર સોમવારે શ્રી કષ્ટભંજનદેવ દાદાને શિવસ્વરૂપ દિવ્ય શણગાર, શ્રીહરિ મંદિરમાં દિવ્ય હિંડોળા દર્શન સાથે સત્સંગ કથા તથા સમગ્ર શ્રાવણ માસ દરમિયાન આધી, વ્યાધિ અને ઉપાધિમાંથી શાંતિ પ્રાપ્ત થાય તે હેતુથી દૈનિક મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ સમગ્ર ધાર્મિક આયોજનથી સાળંગપુરધામમાં શ્રાવણ માસ દરમિયાન ભક્તિમય અને આધ્યાત્મિક માહોલ સર્જાયો છે.